ડિજિટલ અરેસ્ટ પર સરકારની તવાઇ, ગૃહ મંત્રાલયે લીધો ચોંકાવનારો નિર્ણય
દેશમાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડના વધી રહેલા મામલાઓને જોતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શનમાં આવ્યું છે. વાસ્તવમાં ગૃહ મંત્રાલયે આ અંગે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ કમિટી ડિજિટલ ધરપકડના કેસોની તપાસ કરતી સંબંધિત એજન્સી અથવા પોલીસની તપાસ પર નજર રાખશે. અહીં એ પણ નોંધનિય છે કે, તાજેતરમાં વડાપ્રધાને મન કી બાતમાં ડિજિટલ ધરપકડ વિરુદ્ધ વાત કરી હતી.
ડિજિટલ અરેસ્ટ મામલે વિશેષ સચિવ આંતરિક સુરક્ષા સમિતિનું નેતૃત્વ કરશે. કમિટીને ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયના આંતરિક સુરક્ષા સચિવ દ્વારા સમિતિની દેખરેખ ચાલુ રહેશે. ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર જેને 14C તરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસનો સંપર્ક કર્યો છે અને તેમને સમિતિ વિશે માહિતી આપી છે.
આ વર્ષે અત્યાર સુધીમાં દેશભરમાં ડિજિટલ ધરપકડના 6,000 થી વધુ કેસ નોંધાયા છે. આમાં 14Cએ કૌભાંડના સંબંધમાં 6 લાખ મોબાઈલ નંબર બ્લોક કર્યા છે, જે લોકોને ડ્રગ્સ અને મની લોન્ડરિંગના કેસમાં ખોટી રીતે ફસાવીને નિશાન બનાવે છે. સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરે પણ ઓછામાં ઓછી 709 મોબાઈલ એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સત્તાવાળાઓએ સાયબર ફ્રોડ સંબંધિત 3.25 લાખ નકલી બેંક ખાતાઓને ફ્રીઝ કરવાનો આદેશ પણ આપ્યો છે.