અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર! મેટ્રો ટ્રેનનો આ રૂટ લંબાવાયો, જાણો હવે ક્યાં સુધી જઈ શકશો?
વસ્ત્રાલ ગામથી થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેન સેવાઓ હવે આઠમી ડિસેમ્બરથી એટલે કે આગામી સોમવારે થલતેજ ગામ સુધી લંબાવવામાં આવી છે. અનુરૂપ ટ્રેનનું સમયપત્રક GMRCLની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. થલતેજ ગામથી પ્રથમ ટ્રેન સવારે 6.20 કલાકે ઉપડશે. આ સાથે છેલ્લી ટ્રેન વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામથી અનુક્રમે રાતે 8.00 અને 8.05એ રહેશે.
વસ્ત્રાલ ગામથી નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઇવાડી, એપરલ પાર્ક, એપરલ પાર્ક ડિપો, કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા, શાહપુર, જૂની હાઈકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિ., ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ અને હવે થલતેજ ગામ સુધી મેટ્રો ટ્રેન ફેઝ-1ના રૂટ સુધી દોડતી થશે.આ ટ્રેનનું લઘુત્તમ ભાડું પાંચ રૂપિયા હોવાથી થલતેજ ગામના લોકો થલતેજ SG હાઇવે પર પાંચ રૂપિયામાં પહોંચી શકશે.
બીજી તરફ APMCથી મોટેરા સ્ટેડિયમ અને ત્યાંથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેન દોડતી કરી દેવાઈ છે. ગુજરાત નેશનલ લો કોલેજથી ગિફ્ટ સિટી સુધી પણ મેટ્રો ટ્રેન જઈ રહી છે. હવે આગામી પ્રોજેક્ટમાં સેક્ટર-1થી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનને લંબાવવાની કામગીરી ચાલી રહી છે.
તેનું બાંધકામ ચાલી રહ્યું છે. સેક્ટર-1થી સેક્ટર-10-A, સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 થઈને મહાત્મા મંદિર સુધીના 7.4 કિ.મી. લાંબા રૂટનું કામ હાલ ચાલી રહ્યું છે.