
દિવાળીના દિવસોમાં ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક સ્થળો પર ભાવિકોનું ઘોડાપૂર ઊમટે છે. ધનતેરસથી ભાઈબીજ સુધીના ગણતરીના દિવસોમાં જ 4.65 લાખ ભક્તોએ કાળિયા ઠાકોરના દર્શન કર્યા હતા. રજાઓમાં 3.50 લાખથી વધુ યાત્રાળુઓ પહોંચ્યા. સ્થિતિ એ હતી કે તમામ ગેસ્ટહાઉસ પેક થઈ ગયા હતા અને મુખ્ય મંદિરથી દૂર બનાવેલા વધારાના પાર્કિંગ પણ નાના પડ્યા હતા. ચાર દિવસના ટૂંકા ગાળામાં આશરે 7 લાખ ભાવિકોએ મા ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.
માત્ર ધાર્મિક સ્થળો જ નહીં, પણ રાજ્યના મોર્ડન ટૂરિઝમ સ્પોટ્સ પર પણ ભારે ભીડ જોવા મળી હતી. પાંચ દિવસમાં 2 લાખથી વધુ લોકોએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લીધી. જંગલ સફારી પાર્કમાં રોજના અંદાજે 10 હજાર અને ચિલ્ડ્રન પાર્કમાં 5 હજાર મુલાકાતીઓ નોંધાયા હતા. વેકેશન દરમિયાન સરથાણા નેચર પાર્કમાં 81,119 સૈરફાટા પ્રેમીઓએ મુલાકાત લેતા પાર્કને રૂ. 22.95 લાખની આવક થઈ હતી.
ગુજરાત સરકારના અધિકૃત આંકડા દર્શાવે છે કે રાજ્યના મુખ્ય 16 પ્રવાસન સ્થળોએ તહેવારોમાં ભારે ભીડનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. વર્ષ 2023 (દિવાળી વેકેશન) દરમિયાન 43 લાખનો આંકડો પાર કર્યો હતો, જ્યારે વર્ષ 2024 (દિવાળી વેકેશન)માં 61.70 લાખ લોકો પ્રવાસી બન્યા હતા.
વર્ષ 2024ના આંકડા પર નજર કરીએ તો દ્વારકામાં 13 લાખ મુલાકાતીઓ, અંબાજીમાં 12 લાખ, સોમનાથમાં 8.96 લાખ, પાવાગઢમાં 8.92 લાખ, કાંકરિયા લેકફ્રન્ટ (અમદાવાદ)માં 5.50 લાખ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતાનગર)માં 4.90 લાખ મુલાકાતીઓ નોંધાયા હતા. કુલ પ્રવાસીઓમાંથી બે-તૃતીયાંશથી વધુ હિસ્સો માત્ર દ્વારકા, અંબાજી, સોમનાથ અને પાવાગઢ જેવા ચાર મુખ્ય યાત્રાધામોનો રહ્યો હતો.
‘વાઇબ્રન્ટ ગુજરાત’ની વિગતો મુજબ, વર્ષ 2025 દરમિયાન રાજ્યમાં કુલ 22.28 કરોડ પ્રવાસીઓની મુલાકાત નોંધાઈ હતી, જેમાં 23.39 લાખ વિદેશી મુલાકાતીઓનો પણ સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતના કૂલ ઘરેલુ ઉત્પાદનમાં પ્રવાસન ક્ષેત્રનો ફાળો આશરે 6.95 ટકા રહ્યો હતો. નાણાકીય દ્રષ્ટિએ આંકડો મૂકીએ તો, આખા વર્ષ દરમિયાન રાજ્યના અર્થતંત્રમાં ટૂરિઝમ સેક્ટરે રૂ.1.86 લાખ કરોડનું ભવ્ય યોગદાન આપ્યું છે.
દિવાળી સીઝનના આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો, સ્થાનિક બજારમાં પ્રવાસીદીઠ સરેરાશ રૂ. 1, 333નો વેપાર થાય છે. આટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે એકસાથે રોડ પર નીકળે છે, ત્યારે પ્રવાસન કેન્દ્રોની ટિકિટોની ઉપલબ્ધતા અને યાત્રાધામોમાં રહેવાની જગ્યા પર તેની સૌથી મોટી અસર જોવા મળે છે. આમ છતાં, દિવાળીનો આ પર્વ ગુજરાતના સ્થાનિક વેપારીઓ માટે સમૃદ્ધિની નવી આશા લઈને આવે છે.
