અમદાવાદની જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનના મિત્રને કર્યો વીડિયો કોલ, ખળભળાટ મચી
ગુનાઓની દુનિયામાં બદનામ ગેંગસ્ટાર લોરેન્સ બિશનોઈનો કથિત વીડિયો વાયરલ થયો છે. હાલ લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. ખાસ બેરેકમાં રાખવામાં આવેલ લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનમાં રહેતા મિત્રને જેલમાંથી વીડિયો કોલ કર્યો હતો. ત્યારે સાબરમતી જેલના તંત્ર પર મોટો સવાલ ઉઠ્યો છે કે, લોરેન્સ પાસેથી મોબાઈલ ક્યાંથી આવ્યો.
પ્રખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. ગુજરાત એટીએસએ લોરેન્સની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. ડ્રગ્સ કેસમાં હાલ તે સાબરમતી જેલમાં છે. તેને સાબરમતી જેલની વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યારે લોરેન્સે સાબરમતી જેલમાંથી એક મિત્રે વીડિયો કોલ કર્યો છે. તેણે બકરી ઈદનો તહેવાર હોવાથી પાકિસ્તાનમાં બેસેલા મિત્રને અમદાવાદ જેલમાંથી વીડિયો કોલ કર્યો હતો.
કોણ છે લોરેન્સ બિશ્નોઈ
- ક્રાઈમની દુનિયાનો મોટો ગેંગસ્ટર છે લોરેન્સ બિશ્નોઈ
- ખેડૂત પરિવારનો પુત્ર બની ગયો છે ગેંગસ્ટર
- ખંડણી ઊઘરાવવાનો ધંધો, ન આપે તો હત્યા કરવી
- લોરેન્સ સામે હત્યા, ખંડણી સહિતના અનેક ગુના
- અનેક લોકોને આપી ચુક્યો છે મારવાની ધમકીઓ
- હાલ અમદાવાદની સાબરમતી જેલમાં છે બંધ
- છેલ્લા 10 વર્ષથી જેલમાંથી જ ચલાવે છે ગોરખધંધો
- જેલમાં જ બેસીને સુખદેવ ગોગામેડીની કરાવી હત્યા
- સલમાન ખાનને પણ આપી ચુક્યો છે મારવાની ધમકી
- હાલમાં સલમાન ખાનના ઘર પર કરાવ્યું હતું ફાયરિંગ
લોરેન્સને સાબરમતી જેલની વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યારે લોરેન્સ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો એ એક સવાલ છે. કોણે લોરેન્સને ફોન આપ્યો, કોણ છે જેલમાં બંધ લોરેન્સનો મદદગાર. વીડિયો કોલથી જેલ તંત્ર પર સવાલો ઉઠ્યા છે. સાબરમતી જેલમાં અગાઉ પણ અનેક કેદીઓ પાસેથી મોબાઈલ પકડાઈ ચૂક્યા છે. ત્યારે ગેંગસ્ટરના પાકિસ્તાન કોલથી ખળભળાટ મચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગત સપ્ટેમ્બર, 2023 ના સમય દરમિયાન પણ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો જેલથી વીડિયો કોલનો વીડિયો વાયરલ થયો હતો. નાસિર-જુનૈદ હત્યાકાંડમાં રાજસ્થાન પોલીસના કેદમાં રહેવા દરમિયાન મોનુ માનેસર અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વીડિયો સામે આવ્યો હતો. જે મામલે પણ તપાસ કરાઈ હતી. વીડિયો 16 સપ્ટેમ્બર, 2023 ના રોજ ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો.