Site icon Time News

Gandhinagar: CMએ 4.25 લાખ જેટલા SMCના સભ્યો સાથે વિડિયો સંવાદ સાધ્યો, શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રીએ રાજ્યભરની સરકારી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની શાળા વ્યવસ્થાપન સમિતિ (School Management Committee) ઓના સવા ચાર લાખ જેટલા સભ્યો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ સંવાદનો સૌપ્રથમ અભિનવ ઉપક્રમ હાથ ધર્યો હતો. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર તથા રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા પણ આ વિડીયો સંવાદમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાતચીત દ્વારા તેમના પ્રસ્તાવો અને ફીડબેક પણ મેળવ્યા હતા.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારે અદ્યતન શિક્ષણ વ્યવસ્થાના આયામો અપનાવ્યા છે. એટલું જ નહીં, શિક્ષકો પણ હવે બાળકોની શાળામાં હાજરી સહિત અભ્યાસ અંગેની ઝીણામાં ઝીણી બાબતોની કાળજી લે છે. તેવા સંજોગોમાં SMCએ પણ તેમની સાથે સક્રિયતાથી જોડાઈને પોતાના ગામની શાળા તથા બાળકોના શિક્ષણ સ્તરને વધુ ઉન્નત બનાવવું જોઈએ. SMCના સભ્યો નિયમિતપણે બેઠક યોજીને શાળાની સુવિધાઓ, બાળકોની હાજરી, અભ્યાસ સહિતની બાબતોનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરીને પોતાના સુઝાવો આપે તેવી અપેક્ષા છે.

CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, શિક્ષણ જ વિકાસનો મુખ્ય આધાર છે. ત્યારે વડાપ્રધાને આપેલા સૌના સાથ સૌના વિકાસના ધ્યેયને સાકાર કરવા બાળકોને અવશ્ય ભણાવીએ અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ સૌ સાથે મળીને કરીએ. વિકસિત ભારત માટે આપેલા નવ સંકલ્પોમાં ખાસ કરીને કેચ ધ રેઈન અભિયાન, એક પેડમાં કે નામ, સ્વસ્થતા-સ્વચ્છતા અને તંદુરસ્ત રોગમુક્ત જીવન માટે વ્યાયામ તથા પ્રાકૃતિક ખેતીના સંકલ્પો પાર પાડવામાં SMCના સભ્યો, શિક્ષકો અને અગ્રણીઓ બાળકોને પ્રાથમિક શિક્ષણ સ્તરેથી જ કેળવે તેવો અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિડીયો સંવાદમાં પ્રતિક રૂપે જામનગર, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર અને નવસારીની ગ્રામીણ વિસ્તારની શાળાઓના વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સંવાદ- વાર્તાલાપ કર્યો હતો.

શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યની શાળાઓમાં ૨૦૦૯થી RTE એક્ટ અન્વયે શાળા વ્યવસ્થાપન સમિતિઓની રચના કરવામાં આવેલી છે. SMCના સભ્યો અને શિક્ષકોની સહિયારી જવાબદારીથી આત્મનિર્ભર ભારતના ભાવિ નાગરિકનું ઘડતર વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા શાળાઓમાં થાય છે. શાળાઓમાં બાળકોના નામાંકન, દિવ્યાંગ બાળકો માટેની કાળજી, વિવિધ યોજનાઓના અમલીકરણ વગેરેમાં SMCની સહભાગીતા મળી રહી છે તેની પણ ભૂમિકા શિક્ષણ મંત્રીએ આપી હતી.

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ રાજ્યમાં મુખ્યમંત્રીના દિશા દર્શનમાં શાળા શિક્ષણ અન્વયે સરકાર અને SMCનું જે સુચારુ સંકલન છે તેની સરાહના કરી હતી. તેમણે કહ્યું કે, મૂલ્ય નિષ્ઠા આધારિત શિક્ષણ સાથે સમરસતા પર વિશેષ ફોકસ કરીને બાળકોના ચારિત્ર્ય ઘડતરની આપણી દિશા છે. તેમણે ગામોની શાળાઓમાં કિચન ગાર્ડન, કુપોષણ મુક્તિ માટેના પ્રયાસો અને યોજનાકીય લાભ લોકોને પહોંચાડવાની જે કાળજી SMC અને શિક્ષકો લેછે તેને બિરદાવ્યા હતા.

આ વિડીયો કોન્ફરન્સ સંવાદમાં શિક્ષણ અગ્ર સચિવ મુકેશકુમાર, મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, પ્રાથમિક શિક્ષણ નિયામક જોષી અને શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તથા રાજ્યની છેક ગ્રામ્ય સ્તર સુધીની SMCના સભ્યો જોડાયા હતા.

આ પણ વાંચો, http://India’s digital strike on Pakistan: ભારતની પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક, 16 મોટી યુટ્યુબ ચેનલો કરી બ્લોક

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version