
ગાંધીનગર ચીલોડા પોલીસે ચંદ્રાલા ગામની સીમમાં વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસે કેરળના શખસ પાસેથી એક પિસ્ટલ, બે દેશી તમંચા અને 26 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.
આગમન હોટલ સામેના હિંમતનગર હાઇવે પર નાકા પોઇન્ટ ખાતે વાહન ચેકિંગ થઈ રહ્યું હતું. પોલીસે વૈષ્ણવ ટ્રાવેલ્સની બસને રોકીને તપાસ કરી. એક મુસાફરના કપડામાંથી હથિયારો મળી આવ્યા.
આરોપીની ઓળખ ઉન્ની ક્રિષ્નન પામનન (40) તરીકે થઈ છે. તે કાસરગોડ, કેરળનો રહેવાસી છે. જપ્ત કરાયેલી પિસ્ટલ અમેરિકન બનાવટની માઉઝર છે. પોલીસે આરોપી પાસેથી હથિયારો, કારતૂસ, મોબાઇલ અને બે પાસપોર્ટ સહિત કુલ 42,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગાંધીનગર પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના આદેશ મુજબ જિલ્લાના તમામ નાકા પોઈન્ટ પર સઘન વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. ચીલોડા પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે.
