પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને ડેમેજ કંટ્રોલની જવાબદારી સોંપાઇ
આગામી લોકસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવા છતાં ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસમાં ‘ઘર ફૂટે ઘર જાય’ જેવી સ્ફોટક સ્થિતિ સર્જાતાં આની ગંભીર નોંધ દિલ્હી હાઇકમાન્ડ દ્વારા લેવાઇ છે. ગુજરાતમાં લોકસભાની ર૬ બેઠક છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય હોવાથી કોંગ્રેસ માટે ગુજરાત હંમેશાં મહત્ત્વપૂર્ણ રાજ્ય રહ્યું છે તેવા સમયે પક્ષમાં એક અથવા બીજા પ્રકારનો અસંતોષ ફાટી નીકળતાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને ડેમેજ કંટ્રોલની જવાબદારી સોંપાઇ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રદેશ કોંગ્રેસ માટે લોકસભાના ચૂંટણીજંગમાં ઝળહળતી સફળતા મેળવવી અનિવાર્યરૂપ બની છે. ખુદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસ તરફ અંગત ધ્યાન રાખી રહ્યા છે. તેઓ આગામી તા.૧પ ફેબ્રુઆરીએ પાટણની મુલાકાતે આવે તેવી શક્યતા છે. આવા સંજોગોમાં ગુજરાત કોંગ્રેસમાં રાજ્યસભાની ચૂંટણીના સમય જેવો સ્ફોટક માહોલ સર્જાયો છે.
રાજ્યસભાની ચૂંટણીના સમયે ૧ર ધારાસભ્યો પક્ષ છોડીને ભાજપમાં ગયા હતા. આ વખતે આશાબહેન પટેલે પક્ષમાંથી રાજીનામું આપ્યું હોઇ તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે, જોકે પક્ષના એક ટોચના નેતાએ છ મહિના પહેલાં દિલ્હી હાઇકમાન્ડને લોકસભાની ચૂંટણી પહેલાં આવી સ્થિતિ ફરીથી ઉદ્ભવશે એવી ચેતવણી આપતો પત્ર પાઠવ્યો હતો. કોંગ્રેસનાં સૂત્રો કહે છે કે અત્યારે જે પ્રકારે અસંતોષ જણાઇ રહ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ પ્રદેશના ટોચના નેતાઓનો ધારાસભ્યો સાથેના સીધા સંવાદનો અભાવ છે.