સીબીઆઈના ભૂતપૂર્વ વચગાળાના ડિરેક્ટર એમ. નાગેશ્વર રાવની પત્નીની કંપની એંજેલા મર્કેન્ટાઈલ પ્રા. લિ.માં કોલકાતા પોલીસના દરોડા
શુક્રવારે કોલકાતા પોલીસે સીબીઆઈના ભૂતપૂર્વ વચગાળાના ડિરેક્ટર એમ. નાગેશ્વર રાવના બે અલગ અલગ ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા.પોલિસે કોલકાતા અને સોલ્ટ લેકમાં નાગેશ્વર રાવની
પત્નીની કંપની એંજેલા મર્કેન્ટાઈલ પ્રા. લિ.માં દરોડા પાડ્યા. ત્યારબાદ કોલકાતા પોલીસે આ કાર્યવાહીને સામાન્ય તપાસનો ભાગ ગણાવ્યો છે. નાણાકીય ગરબડની તપાસ માટે બાઉબજાર પોલીસ
સ્ટેશનમાં કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. પોલીસ મુજબ કંપની અને રાવની પત્ની માન્નેમ સંધ્યા વચ્ચે શંકાસ્પદ લેવડ-દેવડ થઈ છે. સંધ્યાએ કંપની પાસેથી 2011-12માં ત્રણ હપ્તામાં રૂ.
25 લાખની લોન લીધી અને 2012-13માં કંપનીને 1.5 કરોડ રૂપિયાની ચુકવણી કરી ત્યારબાદ રાવની પુત્રીને 14 લાખ રૂ. પગારરૂપે અપાયા હતા. પોલીસ તેમાં નાણાકીય ગરબડ થયાની વાતને
લઈને હાલ તપાસ કરી રહી છે. સીબીઆઈ શિલોંગમાં શનિવારે કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમારની પૂછપરછ કરે તે પહેલાં આ કાર્યવાહી કરાવામાં આવી.નાગેશ્વર રાવે આ વિશે ખુલાસા
કરતો એક પત્ર લખ્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે, 2010માં મારી પત્ની મન્નેમ સંધ્યાએ મેસર્સ એંજેલા મર્કેટાઈલ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી રૂ. 25 લાખની લોન લીધી હતી. આ રકમમાંથી
આંધ્રપ્રદેશના ગુંટૂરમાં એક જોઈન્ટ પ્રોપર્ટી ખરીદી હતી. ત્યારબાદ 2011માં મારી પત્નીએ 11થી 17 એકરની પૈતૃક જમીન રૂ. 58.62 લાખમાં વેચી દીધી હતી. આ રકમ અને બચતમાંથી કુલ 1 કરોડ
38 લાખમાંથી રૂ. 60 લાખ મેસર્સ એંજલા મર્કેટાઈલ પ્રાઈવેટ લિમિટેડને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જુલાઈ 2014માં કંપનીએ આ પૈસામાં વ્યાજને પણ જોડ્યું અને તેમાંથી લોન રકમ ઘટાડીને
41.33 લાખ રૂપિયા મારી પત્નીને પરત કરી દીધા હતા. આ લેણ-દેણ સાથે સંબંધિત દરેક માહિતી એજન્સીને આપવામાં આવી છે. માટે બેનામી સંપત્તિ હોવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી.