બાપુનગરમાં બળજબરી પૂર્વક મકાનનો વેચાણ કરાર કરાવ્યો
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા પરત આપવા છતાં પતિ-પત્ની અને એક શખ્સએ વધુ પૈસાની માંગ કરી હતી. બળજબરી પૂર્વક મકાનનો વેચાણ કરાર કરી ભાડૂઆત બતાવી દીધા હતા. બાપુનગર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
બાપુનગર ઇન્ડિયા કોલોની રોડ પર જાગૃતિ સોસાયટીમાં રહેતા અને અગાઉ હીરા ઘસવાનું કામ કરતા પ્રવીણભાઈ પટેલ (ઉ.વ.61)એ રાજુભાઈ પંચાલ નામના શખ્સનો સંપર્ક કર્યો હતો. તેઓએ નવા નરોડામાં રહેતા વિજયભાઈ ભટ્ટ પાસેથી 5 ટકાના વ્યાજે રૂ.8 લાખ લીધા હતા. રાજુભાઈએ તેમાં એક લાખ કમિશન લીધું હતું.
દુકાન વેચી પ્રવીણભાઈએ અલગ અલગ સમયે રૂ. 9.15 લાખ ચૂકવી દીધા હતા. આમ છતાં વિજયભાઈ અને તેમની પત્ની મીનાબેન પૈસા માંગતા હતા. બળજબરી પૂર્વક મકાનની ઉપર આવેલી દુકાનને તાળું મારી કબજો લઈ લીધો હતો. ઘરનો પણ વેચાણ કરાર લઈ પાવર ઓફ એટર્ની કરાવી લીધી હતી. પ્રવીણભાઈને ભાડૂઆત તરીકે દર્શાવી અને ભાડા કરાર કરી લીધો હતો.