આવતીકાલથી પેટ્રોલપંપ પર મળશે ફાસ્ટટેગ બારકોડ
દેશના તમામ નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગ લેન અનિવાર્ય કરી દેવાશે. તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા આવતીકાલથી દેશભરના 800 પેટ્રોલપંપમાં વાહનચાલકોને ફાસ્ટટેગ બારકોડ ઉપલબ્ધ કરાવશે. આ બારકોડ આગામી 6 મહિનામાં દેશભરના 25 હજાર પેટ્રોલપંપો પર ઉપલબ્ધ કરાવી દેવાશે. સાથે જ બે એપ પણ લોન્ચ કરાઇ રહી છે જે ફાસ્ટટેગ માટે મદદરૂપ થશે. તેનાથી ટોલ પ્લાઝા પર વાહનચાલકોનો ઘણો સમય બચશે. હાલ ફાસ્ટટેગ વિના એક વાહન પસાર થવામાં સરેરાશ 6 મિનિટ લાગે છે.
માર્ગ પરિવહન મંત્રાલય અને NHAIના 479 ટોલ પ્લાઝા છે. તેમાંથી લગભગ 425 ટોલમાં ફાસ્ટટેગ લેન ઉપલબ્ધ છે. બાકીના 54 ટોલમાં માર્ચ સુધીમાં ફાસ્ટટેગ લેન શરૂ કરી દેવાશે. તેનાથી વાહનચાલકોને ટોલ ચાર્જ ચૂકવવામાં લાગતો સમય બચશે. ફાસ્ટટેગ વિનાનાં વાહનોની ફાસ્ટટેગ લેનમાંથી એન્ટ્રી નહીં થાય. કોઇ વાહન એન્ટ્રી કરે તો તેને દંડ પણ થઇ શકે છે. જોકે, તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી.
શુ છે ફાસ્ટટેગ બારકોડ
ફાસ્ટટેગ એક પ્રકારનું બારકોડ સ્ટિકર છે, જે વાહનમાં લગાવાય છે. તેના કોડને તમારા બેન્ક એકાઉન્ટ કે પેટીએમ સાથે લિન્ક કરી દેવાય છે. ત્યાર બાદ તમે ટોલ પ્લાઝા પરથી પસાર થાવ ત્યારે તમારે ત્યાં કોઇ કેશ નહીં આપવી પડે. ફાસ્ટટેગ લેનવાળાં વાહનચાલક ટોલ ગેટના એન્ટ્રી પોઇન્ટ પર પહોંચશે તો ગેટ પર લાગેલું સેન્સર ફાસ્ટટેગ બારકોડને સ્કેન કરીને તેની માહિતી કંટ્રોલ રૂમને આપશે. ત્યાર બાદ બેરિયર ખૂલી જશે.
સોમવારે માર્ગ પરિવહન મંત્રાલય અને ઓઇલ કંપનીઓ વચ્ચે કરાર થશે. મહાનગરોના 200-200 પેટ્રોલપંપો પર ફાસ્ટટેગ ઉપલબ્ધ હશે. ત્યાર બાદ આગામી 6 મહિનામાં તબક્કાવાર મોટાં શહેરોના 25 હજાર પેટ્રોલપંપો પર પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. તે માટે દરેક પેટ્રોલપંપમાં બૂથ બનાવાશે.