
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો ખેડૂતો અને પશુપાલકો સાથે સીધી રીતે સંકળાયેલી બે મહત્વપૂર્ણ સહકારી સંસ્થાઓ સાબરડેરી અને સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સાબર ડેરી અને સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની અઢી વર્ષની મુદત માટે શુક્રવારે યોજાનારી મહત્વપૂર્ણ ચૂંટણી છેલ્લી ઘડીએ આકસ્મિક રીતે મુલતવી રાખવામાં આવી છે. પાર્ટીમાં આંતરિક બળવો થવાની અને હોર્સ ટ્રેડિંગ થવાની પૂરી શક્યતાને જોતાં ભાજપની નેતાગીરી હરકતમાં આવી ગઈ હતી અને આખીય ચૂંટણી મોકૂફ રાખવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે આગામી 6 નવેમ્બરના રોજ બંને સંસ્થાઓમાં એક જ દિવસે ચૂંટણી યોજાવાની હતી. ત્યારે તૈયારીના ભાગરૂપે ભાજપ દ્વારા હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ ભાજપમાંથી આવેલા ત્રણ નિરીક્ષકો ડિરેક્ટરો, સહકારી આગેવાનો અને જિલ્લા ભાજપના અગ્રણીઓને સાંભળ્યા હતા. આ સેન્સ પ્રક્રિયા બાદ બંને સંસ્થાઓના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેના સંભવિત નામો પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવ્યા હતા.
બંને સહકારી સંસ્થાઓમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે અનેક નામોની ચર્ચા ચાલી રહી હતી. ખાસ કરીને અગાઉ બંને સંસ્થાઓ સાથે જોડાયેલા વિવાદોને ધ્યાનમાં રાખીને આ વખતે ભાજપ દ્વારા નિર્વિવાદ અને સર્વસ્વીકૃત ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી હતી. સાબરડેરી અને સાબરકાંઠા બેંક માત્ર સહકારી સંસ્થાઓ જ નહીં, પરંતુ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો અને ખેડૂતોની આર્થિક કરોડરજ્જુ સમાન છે.
સાબરડેરી અને બેંકમાં ચાલતી ઉથલપાથલનો અંદાજ આવી જતાં, તારીખ 04 ના રોજ રાત્રે જ તમામ ડિરેક્ટરોને તાત્કાલિક ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રીના બંગલે પ્રદેશ સંગઠન મહામંત્રી અને ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારી સમક્ષ ડેરીના કાવા-દાવા અને આંતરિક વિવાદોથી પક્ષની છબી ખરડાઈ હોવાનું જણાવી ડિરેક્ટરોની આકરી લેવામાં આવી હતી. તેમજ પક્ષ દ્વારા જેમને પણ મેન્ડેટ અપાય તેને સર્વસંમતિથી સ્વીકારવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
સાબરડેરીમાં વર્તમાન ચેરમેન શામળ પટેલ સામે વિરોધના સૂર ઊભા થયા હોવાથી તેમની રવાનગી લગભગ નિશ્ચિત મનાઈ રહી હતી. જ્યારે બીજી બાજુ, મૂળ કોંગ્રેસી ડો. વિપુલ પટેલને ચેરમેન પદ મળે તે માટે મોટાભાગના ડિરેક્ટરોએ સેન્સ પ્રક્રિયામાં સમર્થન જાહેર કર્યું હતું. ડિરેક્ટરોની આ એકજૂથતા અને આંતરિક ખેંચતાણના કારણે ભાજપની સ્થાનિક તથા પ્રદેશ નેતાગીરી સ્તબ્ધ થઈ ગઈ હતી.
