દ્વારકા: આતંકી હુમલા બાદ કાશ્મીરમાં ફરજ બજાવતા જવાનની પત્નીનો આપઘાત
એક બાજુ દેશ આખો પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ જવાનોના શોકમાં ગરકાવ છે ત્યારે દ્વારકામાં એક જવાનની પત્નીનો આપઘાત થયાની ઘટના બની છે. પતિને દેશનું સુરક્ષા માટે ફરજ પર જવા માટે અટકાવતા પતિ ન માનતા પત્નીએ ઘરમાં આપઘાત કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આર્મી જવાનની પત્નીએ આપઘાત કરી લીધો છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પતિ ભુપેન્દ્રસિંહ જેઠવા કાશ્મીર ગુલમર્ગ ખાતે આર્મીમાં ફરજ બજાવતા હોઈ જેમની રજા પુરી થતા ફરજ પર જવાનું હોઇ પત્ની મીનાક્ષીબા જેઠવા પુલવામાંના આંતકવાદી હુમલાથી ગભરાઈ ગયા હોય પતિ ને ફરજ પર ન જવાનું કહ્યું પતું. પરંતુ ફોજી પતિ દ્વારા દેશની સુરક્ષા કાજે જવું જ પડે તેવી વાત કરતા ફોજીની પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી.
હાલમાં ખંભાળિયા પોલીસ દ્વારા જવાનની પત્નીનો મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40થી વધારે જવાનો શહીદ થવાની ઘટનાથી ભૂપેન્દ્રસિંહની પત્ની ગભરાઇ ગયા હતા.