દ્વારકા: મંદિરના પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન દ્વારા વીડિયોગ્રાફી કરતા 7 લોકોની કરી અટકાયત
દેવભૂમિ દ્વારકા જીલ્લાના જગ વિખ્યાત દ્વારકાના જગત મંદિર આજુબાજુના પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન કેમેરા દ્વારા ગેર કાયદે શુટિંગ કરતા સાત સખ્સોને સ્થાનિક સિક્યુરીટી વ્યવસ્થામાં રહેલ પોલીસે આંતરી લીધા છે. વીડોયોગ્રાફી કરતી ટીમના સભ્યોએ સરકારી પ્રોજેક્ટ અંતર્ગત શુટિંગ કરી રહ્યા હોવાનું જણાવતા તંત્રએ મંજુરી પત્ર રજુ કરવા જણાવ્યું છે. જોકે આ ટીમ સ્થળ પર પુરાવા આપવામાં નિષ્ફળ રહેતા પોલીસે સાતેય શખ્સોની અટકાયત કરી છે.
તાજેતરમાં જગત મંદિર પરિસરમાં ડ્રોન કેમેરા દ્વારા થતી વીડોયોગ્રાફીને લઈને જગત મંદિરનો પ્રતિબંધિત વિસ્તાર પ્રસાર માધ્યમોમાં છવાયો હતો. આ વીડોયોગ્રાફી કોના દ્વારા કરવામાં આવી છે તેના સુધી પોલીસ પહોચે તે પૂર્વે આજે એક ટીમ દ્વારા મંદિરની ચારેય દિશામાં ડ્રોન કેમેરા દ્વારા વીડોયો શુટિંગ કરતી ટીમની હરકત સામે આવી હતી, જેને લઈને સ્થાનિક સિક્યોરીટી સંભાળતી પોલીસે તત્લ્કાલીક હરકતમાં આવી જુદી જુદી દિશામાં મંદિરની વીડોયોગ્રાફી કરતા સાત સખ્સોને આંતરી લીધા હતા.
ગુજરાત સરકારના એક પ્રોજેક્ટ અંતર્ગત સરકારની મંજુરીથી આ કામગીરી કરી રહ્યાની ટીમ દ્વારા પોલીસમાં જણાવ્યું હતું પરંતુ સરકારી મંજુરી અંગે આ ટીમ ચોક્કસ પુરાવા આપી શકી ન હતી. જેથી પોલીસે તમામની અટકાયત કરી આગળની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને પવિત્ર ધામમાં ફરી ચર્ચાઓનો શરુ થયો છે.