સબરીમાલા મંદિરમાં બે મહિલાના પ્રવેશના કારણે ઉગ્ર વિરોધ, કેરળ બંધનું એલાન
બે મહિલાઓએ કેરળના સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાના મંદિરમાં પ્રવેશ કરી દર્શન અને પૂજન કર્યાના વિરોધમાં અનેક સ્થળોએ થઈ રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે વિભિન્ન હિન્દુ સંગઠનોએ આજે ‘રાજ્યવ્યાપી બંધ’નું એલાન આપ્યું છે.આ બંધ હિંસક બન્યું છે અને તેમાં બે લોકોના મોત થયા છે. બે મહિલાઓના સબરીમાલા મંદિરમાં પ્રવેશના સમાચાર વાયુવેગે ફેલાયા બાદ ડાબેરી પક્ષો અને સંસ્થાઓના કાર્યકર્તાઓનો વિરોધ કરીને કેરળના મોટા ભાગના નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને દુકાનો-બજારો બળજબરીથી બંધ કરાવવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને યુવા મોરચાના કાર્યકરોએ રાજ્ય સચિવાલય બહાર રિપોર્ટિંગ કરી રહેલા મીડિયાકર્મીઓ પર કથિતરૂપે હુમલો કર્યાના સમાચાર પણ મળી રહ્યા છે.
‘સબરીમાલા કર્મ સમિતિ’ દ્વારા આજે ગુરુવારે સવારથી સાંજ સુધી ‘કેરળ બંધ’નું એલાન આપ્યું છે. તેમના નેતા કે.પી. શશિકલાએ જણાવ્યું કે કેરળની સરકારે ભગવાન અયપ્પાના ભક્તોનો વિશ્વાસઘાત અને દ્રોહ કર્યો છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ બાદ ફાટી નીકળેલી હિંસામાં સબરીમાલા કર્મ સમિતિના કાર્યકર ચંદ્રન ઉન્નીથનનું મોત થયું છે.
ભાજપે જણાવ્યું કે ઉન્નીથન પર સીપીઆઈએમના કાર્યકરોએ જીવલેણ હુમલો કર્યો હતો, કેમ કે તેઓ મહિલાઓના મંદિરમાં પ્રવેશનો વિરોધ કરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અને સીપીઆઈએમના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી અને ઉન્નીથન તેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘવાયેલા ઉન્નીથનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં મોડી રાતે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ હત્યા કેસમાં બે લોકોની ધરપકડ કરી છે.