તીવ્ર ઠંડીના કારણે ગાઢ ધુમ્મસ, 16થી વધુ ફ્લાઇટ મોડી
દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતાં દિલ્હી, મુંબઇ, બેંગલુરુ તરફથી અમદાવાદ આવતી-જતી તમામ ફલાઇટ સવારના સમયે લેટ પડતાં મુસાફરો અટવાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર આવેલી ૬ ફલાઇટ અને અમદાવાદથી ઉપડતી ૧૦થી વધુ ફલાઇટ આજે મોડી પડી છે.
દિલ્હીથી અમદાવાદ આવતી વિસ્તારા, ઇન્ડિગો, સીંગાપોર એરલાઇન્સ અને બ્રિટિશ એરવેઝની ફલાઇટ લેટ હતી. જ્યારે મુંબઇ-દિલ્હી-મસ્કત-બેંગલુરુ- ચેન્નઇ જતી વિસ્તારા ઇન્ડિગો, સિગાપોર એરલાઇન્સ સહિતની ફલાઇટ એકથી દોઢ કલાક મોડી આવીને ફરી ઉપડી હતી.
દિલ્હી-બેંગલુરુ ખાતે ધુમ્મસભર્યા વાતાવરણના કારણે પૂરતી વિઝીબીલીટી નહીં મળવાની સાથે ફલાઇટના ટેક ઓફ અટક્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર એરક્રાફટ મોડા ઊતરતાં અને ઉપડતાં જે પ્રવાસીઓને કનેકટીંગ ફલાઇટ લેવાની હતી તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
ગઇ કાલે આ જ પરિસ્થિતિના કારણે અમદાવાદ આવતી દિલ્હીની પાંચ ફલાઇટ લેટ હતી, જે આજે ૧પથી વધુ સંખ્યામાં ફેરવાઇ છે. આજે સાંજ પછીની ફલાઇટ પણ મોડી આવવાની અને મોડી ઉપડવાની સંભાવના છે.