દિલ્હી: ગાઢ ધુમ્મસને કારણે 27 ટ્રેન સહિત અનેક ફ્લાઇટ્સ મોડી
રાજધાની દિલ્હી અને એનસીઆરના આસપાસનાં શહેરો ગુરગ્રામ, ફરિદાબાદ, ગાઝિયાબાદ, નોઇડા, ગ્રેટર નોઇડા અને સોનીપતમાં ગાઢ ધુમ્મસ છવાઇ ગયું છે અને પહાડી રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને શીતલહેરને કારણે મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડીનું મોજું છવાઇ ગયું છે.
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ જતાં અને દૃષ્ટિગોચરતા ખૂબ જ ધૂંધળી બની જતાં દિલ્હીમાં ર૭ ટ્રેનો મોડી દોડી રહી છે અને દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પરથી કેટલીયે ફલાઇટો ઉડાન ભરી શકી નહોતી. જોકે હજુ સુધી કોઇ પણ ફલાઇટ રદ કરવામાં આવી નથી કે ડાઇવર્ટ કરાઇ નથી.
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પહોંચનારી ર૭ ટ્રેન મોડી દોડી રહી છે. ગાઢ ધુમ્મસને કારણે દિલ્હીના પહાડગંજ, એઇમ્સ, નોઇડા, ગુરગ્રામ અને ગાઝિયાબાદ બોર્ડર પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે. જ્યારે રેવાડીમાં પટૌડી રોડ પર ગ્રામ ચિલહરની નજીક ધુમ્મસને કારણે ટેન્કર, પિકઅપવાન અને કાર એકબીજા સાથે ટકરાઇ જતાં ટેન્કરચાલક અને વાનચાલક ઘાયલ થયા છે. જેમને સારવારઅર્થે દાખલ કરાયા છે. ટેન્કરચાલકની હાલત ગંભીર હોવાનું જણાવઇ રહ્યું છે.
જોકે ધુમ્મસને કારણે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઘટી ગયું છે. એર કવોલિટી ઇન્ડેકસ અનુસાર આજે દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં પીએમ ર.પનું સ્તર ર૦૬ અને પીએમ ૧૦નું સ્તર ર૧૬ રહ્યું હતું. આ અગાઉ રવિવારે દિલ્હીમાં એર ઇન્ડેકસ ર૮૯ હતો અને શનિવારે ૩૩ર નોંધાયો હતો.