Site icon Time News

ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓની હવે ખેર નથી! શાહના કડક આદેશ બાદ 2029 સુધીમાં ડ્રગ્સ મુક્ત ગુજરાતનું લક્ષ્ય

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કડક આદેશ બાદ 31 ડિસેમ્બર 2029 સુધીમાં દેશ અને ગુજરાતને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 9 નવેમ્બરે અમદાવાદના વાડજ ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડ્રગ્સ નેટવર્ક સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા.

અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ડ્રગ્સ વેચનારાઓના આકાઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. સાથે જ નશાનો સામાન વેચનારા તત્વોની માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 1033 પણ જાહેર કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રીના આ કડક સંબોધન અને ગઈકાલે (બુધવાર) રાજ્યના DGP જી.એસ. મલિકની ખાસ બેઠક બાદ હવે પોલીસ તંત્ર પૂરી તાકાતથી એક્શનમાં આવ્યું છે.અમદાવાદ શહેરમાં વધતા ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમ સક્રિય થઈ છે. શહેરમાં ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાની મુખ્ય જવાબદારી SOGને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ NCB અને સરખેજ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી MD ડ્રગ્સ બનાવતી આખી ફેક્ટરી ઝડપી પાડી હતી. આ કાર્યવાહી બાદ હવે ડ્રગ્સ માફિયાઓની કમર તોડવા માટે પોલીસે કમર કસી છે.

NDPSના ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા આરોપીઓ અને શંકાસ્પદોની કડક પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ અને SOG દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે. શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર સ્થિત જે.ડી. નગરવાલા સ્ટેડિયમ ખાતે આ મેગા કાર્યવાહીનું આયોજન કરાયું હતું. જ્યાં અમદાવાદ શહેરના 500થી વધુ ગુનેગારોને એકઠા કરવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ JCPના અધ્યક્ષ સ્થાને તમામ શંકાસ્પદોને જરૂરી કાયદેસરની સૂચનાઓ અને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો ફરીથી નશાના કારોબારમાં સંડોવાયા, તો કડકમાં કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

દેશના યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદ કરવું અને રાતોરાત પૈસાદાર બનવાની લાલચ હવે ડ્રગ્સ માફિયાઓને ભારે પડશે. કારણ કે, જો હવે નશાના કાળા કારોબારમાં પગ મૂક્યો, તો આખી જિંદગી જેલના સળિયા પાછળ સડવાનો વારો આવશે.ડ્રગ્સ માફિયાઓ, મોતના સોદાગરો અને દેશના યુવાધનને બરબાદ કરનારા તત્વો હવે ચેતી જજો. કારણ કે ખાખી અને સરકાર હવે આરપારના મૂડમાં છે. નશાનો કાળો કારોબાર ચલાવનારા કોઈપણ ગુંડા કે તેના આકાઓને હવે છોડવામાં નહીં આવે. કાયદાનો એવો સકંજો કસાશે કે પેઢીઓ સુધી યાદ રહેશે!

Exit mobile version