દારૂ પીનારને 30,000 નો દંડ’ નર્મદા જિલ્લાના ગ્રામજનોનો ઠરાવ
ગુજરાતમાં દારૂબંધીના દાવા વર્ષોથી થઈ રહ્યા છે, પણ ચોરી છુપેથી આખા ગુજરાતમાં દારૂ વેચાય જ છે. મહારાષ્ટ્ર બોર્ડર પાસે આવેલા બોદવાવ ગામનાં નાગરિકોએ ગામમાં સ્વયમ દારૂબંધી લાગુ કરી છે. જેમાં 30,000 સુધીના દંડની જોગવાઈ કરાઈ છે.
નર્મદા જિલ્લાને કેન્દ્ર સરકાર દ્રારા પછાત જિલ્લો જાહેર કરાયો છે અને તેના માટે એસપીરેશનલ ડિસ્ટ્રિક્ટની યોજના અમલમાં છે અને તેમાં પણ મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા સાગબારા તાલુકાને રાજ્ય સરકાર દ્રારા અતિ પછાત તાલુકા તરીકે જાહેર કરાયો છે.
સાગબારા તાલુકાનાં નાનકડા એવા બોદવાવ ગામમાં માત્ર આદિવાસીની જ વસ્તી છે. જયાં યુવાધન દારૂના રવાડે ચઢીને પોતાની જિંદગી બરબાદ કરે છે. જેના કારણે મોટા ઝગડા પણ થાયા છે. ગામમાં નશાને કારણે સુલેહ શાંતિનો અવારનવાર ભંગ થતો હતો.
આ તમામ સમસ્યાનું મૂળ માત્ર દારૂનું સેવન જ હોવાનું વડીલોને લાગતા જ આખરે ગ્રામજનોએ ભેગા મળી ઠરાવ કર્યો છે કે, દારૂનું સેવન, દારૂનું વેચાણ અને દારૂ બનાવે અથવા અન્ય ગામથી દારૂ લાવીને વેચાણ કરે તેમને ₹.30,000 નો દંડ કરવાની જોગવાઈ કરી છે અને ઉપરાંતમાં તેવા ઇસમને પોલીસ વિભાગને સોંપવાનો ઠરાવ પણ કર્યો છે.
ભલે ગુજરાત સરકારનાં ગૃહવિભાગ દ્વારા પ્રોહિબિશનનો કાયદો મજબૂત કરવાનો દાવો કરવામાં આવતો હોય, પરંતુ જો સાચા અર્થમાં કાયદાનું પાલન થતું જ હોત તો બોદવાવ જેવા અંતરિયાળ ગામના નાગરિકોને આ પ્રકારે ઠરાવ ન કરવો પડ્યો હોત.
આ ઠરાવની બીજી બાજુ જોતા શહેરી વિસ્તારનાં લોકો કે જે શિક્ષિત છે તેઓને આદિવાસી અને પછાત વિસ્તારના લોકોએ ખૂબ મોટો સંદેશો આપ્યો છે. વાસ્તવમાં મૂડીવાદીઓ માટે દારૂનો નશો કે જે મોજ-મજા માટે હોય છે તે ગરીબો માટે બરબાદી બને છે.