ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ-ઉનની 27-28 ફેબ્રુઆરીના રોજ વિયેતનામમાં કરશે બીજીવાર મુલાકાત
વિયેતનામમાં 27-28 ફેબ્રુારીના રોજ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની વચ્ચે બીજી મુલાકાત થશે. વૈશ્વિક મહાશક્તિના પ્રેસિડન્ટ ટ્રમ્પની સુરક્ષા ફૂલપ્રૂફ હોય તે સ્વાભાવિક છે, પરંતુ નોર્થ કોરિયા પણ પોતાના નેતા માટે કોઇ રિસ્ક લેવા નથી ઇચ્છતું. કિમના અંગત અને નોર્થ કોરિયાના ચીફ ઓફ સ્ટાફ કિમ ચાંગ-સનને વિયેતનામ મોકલવામાં આવ્યા છે, જેથી તેઓ અહીં પરિસ્થિતિથી માહિતગાર થઇ શકે. ચાંગ વિયેતનામમાં સમિટના વેન્યૂ, હોટલો અને સરકારી ગેસ્ટ હાઉસનું નિરિક્ષણ કરી રહ્યા છે. સાઉથ કોરિયાનો દાવો છે કે, ચાંગ-સન સરમુખત્યાર કિમના બટલર છે.
ગત વર્ષે 12 જૂનના રોજ ટ્રમ્પ-ઉનની વચ્ચે પહેલીવાર ઐતિહાસિક મુલાકાત થઇ હતી. બંને તેનાઓની વચ્ચે પરમાણુ હથિયાર ખતમ કરવા પર સહમતિ બની હતી. ત્યારબાદ કિમ જોંગ ઉને કોઇ પણ મિસાઇલ પરિક્ષણ કર્યુ નહતું. કિમ ચાંગ-સનને સાઉથ કોરિયન મીડિયાએ કિમ જોંગનો બટલર ગણાવ્યો હતો, પરંતુ તેઓ નોર્થ કોરિયાના ચીફ ઓફ સ્ટાફ છે અને કિમ જોંગના અંગત છે. એનકે લીડરશિપ વૉચ અનુસાર, સન નેશનલ ડિફેન્સ કમિશનના ડાયરેક્ટર અને ચીફ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. સન કિમના મુખ્ય સહાયક હોવાની સાથે તેમના શિડ્યૂલ અંગે પણ માહિતી રાખે છે. રૉયટર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, સન સરકારી ગેસ્ટ હાઉસ, મેટ્રોપોલ અને મેલિયા હોટેલ્સની તપાસ કરી રહ્યા છે. તેઓ અમેરિકન કાઉન્ટરપાર્ટની સાથે સુરક્ષા અને પ્રોટોકોલ જેવા મુદ્દે પણ વાત કરશે.
અમેરિકાના પ્રેસિડન્ટના સ્ટાફ ફોર ઓપરેશન્સના ડેપ્યુટી ચીફ ડેનિયલ વાલ્શ અને નોર્થ કોરિયા મુદ્દાના અમેરિકાના ઉપ મંત્રી એલેક્સ વૃન્ગ પહેલેથી જ વિયેતનામમાં છે. ગત વર્ષે પણ સિંગાપોર વાર્તાના પહેલાં નોર્થ કોરિયા અને અમેરિકન ઓફિસરોની વચ્ચે વેન્યૂને લઇને અનેક હોટેલ્સ પર ચર્ચા થઇ હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, બંને દેશોના ઓફિસરોની વચ્ચે વેન્યૂને લઇને વાતચીત થઇ હતી. જો બધું જ ઠીક રહ્યું તો આવનારા એક-બે દિવસમાં મુલાકાતના સ્થળની ઘોષણા કરવામાં આવશે.
પ્રાથમિક માહિતી અનુસાર, વિયેતનામમાં યોજાનારી ટ્રમ્પ-કિમની બીજી મુલાકાતમાં કોઇ પ્રકારના અસ્પષ્ટ દસ્તાવેજ પર હસ્તાક્ષર નહીં થાય. છેલ્લી બેઠકમાં તેની ઘણી ટીકા થઇ હતી. ઓબ્ઝર્વર્સ એ વાત પર નજર રાખે છે કે, બીજી સમિટથી કંઇક મજબૂત પરિણામ આવે છે કે નહીં. બંને કોમ્યુનિસ્ટ દેશ છે, જો કે વિયેતનામે ઝડપથી વિકાસ કર્યો છે. તે એશિયામાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. વિયેતનામમાં આ પહેલાં પણ અનેક હાઇ લેવલ સમિટ થઇ હતી. 2017માં દા નાંગ શહેરમાં એપેક સમ્મેલન થયું હતું.