Site icon Time News

અમદાવાદમાં દિલજીતનો ફીવર: નમો સ્ટેડિયમમાં 90 હજારથી વધુ લોકોનો જમાવડો

અમદાવાદના વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભવ્ય મ્યુઝિકલ ઇવેન્ટ માટે સ્ટેડિયમની અંદર અને બહાર તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સિંગર દિલજીત દોસાંજના કોન્સર્ટની ઈવેન્ટ માટે દર્શકો માટે બપોરે 3 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી શરૂ કરી દેવામાં આવશે. સાંજે 7.30 વાગ્યે દિલજીત દોસાંજનો લાઈવ શો શરૂ થશે અને રાત્રે 9.55 વાગ્યે કોન્સર્ટ પૂર્ણ થશે. આ સમગ્ર ઇવેન્ટ અંદાજે 6 કલાક કરતા વધુ સમય સુધી ચાલશે. આ કોન્સર્ટની ટિકિટના દર રૂ. 5,999થી શરૂ થાય છે. 

સ્ટેડિયમની બહાર બેરિકેડિંગ અને રેલિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નાસભાગ જેવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અલગ-અલગ ગેટ પર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા સ્ટેડિયમની ઇમરજન્સી સુવિધાઓ, ફાયર માસ્ટર પ્લાન, સ્ટેજ અને દર્શકોના ઉભા રહેવાની વ્યવસ્થા તેમજ સ્ટેડિયમના તમામ ૪૪ એક્ઝિટ ગેટની સઘન ચકાસણી કરવામાં આવી છે. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (NOC)ની અપ્રૂવલ પ્રક્રિયા પણ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે.

પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિકથી બચવા માટે લોકોને મેટ્રો ટ્રેનનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. દર્શકોની સુવિધા માટે મેટ્રો તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે. 21 નવેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર મેટ્રો સેવા રાત્રે 11.30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. લંબાવેલા સમયગાળા દરમિયાન પ્રવેશ માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ મળશે. અમદાવાદ કોરિડોરમાં છેલ્લી ટ્રેન રાત્રે 11.30 વાગ્યે ઉપડશે, જ્યારે ગાંધીનગર કોરિડોરમાં રાત્રે 10.30, 11.00 અને 11.30 વાગ્યે એમ કુલ ત્રણ વિશેષ ટ્રિપ દોડાવવામાં આવશે. પરત મુસાફરી માટે રૂ. 50ની સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડવામાં આવી છે. સામાન્ય ટિકિટ અને સ્માર્ટ કાર્ડ રાત્રે 11.00 વાગ્યા સુધી જ માન્ય રહેશે. ત્યારબાદ મુસાફરી કરવા માટે માત્ર સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય ગણાશે.

સ્ટેડિયમ ખાતે સિંગર દિલજીત દોસાંજના કોન્સર્ટ દરમિયાન વાહનવ્યવહાર ખોરવાય નહીં તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

સિંગર દિલજીત દોસાંજના કોન્સર્ટ પૂર્વે મળેલી બોમ્બની ધમકીઓને પગલે અમદાવાદ પોલીસ હાઈ એલર્ટ પર છે. પોલીસ કમિશનર (CP)ના સીધા સુપરવિઝન હેઠળ રસ્તાથી લઈને સ્ટેજ સુધી મલ્ટિ-લેયર સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થામાં ૧ JCP, ૫ DCP, ૯ ACP, ૨૨ PI અને ૭૪ PSI સહિત ૨,૦૦૦થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ, SOG, સારથીની ૩ કંપની અને આયોજકોના ૧,૫૦૦ ખાનગી સિક્યોરિટી ગાર્ડ્સ પણ ફરજ બજાવશે.

બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સ્ટેડિયમ, પાર્કિંગ અને એન્ટ્રી ગેટ પર સતત ચેકિંગ ચાલુ રહેશે. CCTV કેમેરા અને ડ્રોન દ્વારા હવાઈ નિરીક્ષણ કરાશે. ધમકીભર્યા ઈમેલ અને સોશિયલ મીડિયા પર સાયબર ક્રાઈમ સેલની બાજ નજર રહેશે. મોબાઈલ ચોરી, નકલી ટિકિટ અને કાળાબજારી રોકવા સાદા કપડામાં પોલીસકર્મીઓ તૈનાત રહેશે. મહિલાઓની સુરક્ષા અને ચેકિંગ માટે અલગ વ્યવસ્થા તેમજ સાદા વેશમાં ‘SHE ટીમ’ હાજર રહેશે. ગેટ પર નશાખોરોને પકડવા પણ ખાસ વોચ રખાશે. કોઈપણ કટોકટીને પહોંચી વળવા ૮ એમ્બ્યુલન્સ તૈનાત રખાઈ છે અને ૨ હોસ્પિટલોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. લોકોને સતર્ક કરવા ૫૦ પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ લગાવાઈ છે.

સુરક્ષાના કારણોસર પોલીસે દર્શકો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં સ્ટેડિયમની અંદર માત્ર મોબાઈલ ફોન જ લઈ જવાની છૂટ આપવામાં આવી છે. મોબાઈલ સિવાય બેગ, પાવર બેંક, પાણીની બોટલ, પોસ્ટર, બેનર કે કોઈપણ પ્રકારની સ્ટિક સ્ટેડિયમમાં લઈ જવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ગેટ પર સઘન ચેકિંગ બાદ જ પ્રવેશ અપાશે. સ્ટેડિયમમાં પ્રવેશ કરવા સમયે ચેકિંગ કર્યા બાદ અંદર જવાની મંજૂરી આપશે. મહિલાઓ અને પુરૂષોના ચેકિંગ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.કોન્સર્ટ અગાઉ ચંદીગઢથી એક પ્રોફેસરે અમદાવાદ આવીને ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર સમક્ષ દિલજીત દોસાંજના 4 ગીતો સામે વાંધો ઉઠાવી ફરિયાદ નોંધાવી હતી. પ્રોફેસરે ચીમકી ઉચ્ચારી છે કે જો કોન્સર્ટમાં આ ૪ ગીતો અને અન્ય નિયમોનું પાલન નહીં થાય તો તેઓ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરશે. આ ફરિયાદના આધારે મોટેરા પોલીસે પ્રોફેસરનું નિવેદન નોંધ્યું છે. આ મામલે પોલીસ કમિશનરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગુજરાત અને અમદાવાદમાં અગાઉ પણ મોટા કાર્યક્રમો સફળતાપૂર્વક થયા છે અને આયોજકોને કોઈ અયોગ્ય બાબત ન બને તેનું ધ્યાન રાખવા સૂચના આપી દેવામાં આવી છે. વધુમાં, આ કોન્સર્ટ દરમિયાન આયોજકો દ્વારા નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવતા સંદેશાઓ પણ આપવામાં આવશે.

અમદાવાદ હવે માત્ર રાજકીય અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું જ નહીં, પરંતુ ગ્લોબલ મ્યુઝિક ઇવેન્ટ્સનું પણ મોટું કેન્દ્ર બની રહ્યું છે. કોલ્ડપ્લેના શાનદાર કોન્સર્ટ બાદ અમદાવાદમાં લાઇવ મ્યુઝિક ઇવેન્ટ્સનો ક્રેઝ સતત વધી રહ્યો છે. 21 નવેમ્બરથી 22 નવેમ્બર દરમિયાન દિલજીત દોસાંઝ, પપોન અને દર્શન રાવલ જેવા કલાકારોના કોન્સર્ટ યોજાવાના છે. પરંતુ આ કોન્સર્ટનો ક્રેઝ હવે સામાન્ય લોકોના ખિસ્સા પર ભારે પડી રહ્યો છે. અમદાવાદ આવતી ફ્લાઇટના ભાડામાં અનેકગણો વધારો થયો છે, તો બીજી તરફ હોટલના રૂમના ભાડા પણ બેથી ત્રણ ગણા વધી ગયા છે.

Exit mobile version