
કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યાના આશરે બે અઠવાડિયા બાદ ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા અને સંબલપુરના સાંસદ ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે જાહેર મંચ પરથી પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. ભુવનેશ્વર સ્થિત GM યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધિત કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે, NEET પેપર લીક વિવાદ દરમિયાન કેટલાક લોકો દ્વારા Gen Z (નવી પેઢીના યુવાનો) ને ગુમરાહ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો હતો.
દિલ્હીના જંતર-મંતર પર થયેલા ભારે વિરોધ-પ્રદર્શનો વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને 25 જુલાઈ 2026 ના રોજ મંત્રી પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું હતું. તેમણે ઉમેર્યું કે, “Gen Z આપણા જ બાળકો છે. કેટલાક લોકોએ તેમને ભટકાવવાનો પ્રયાસ કર્યો. આમાં મારો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નહોતો. ભારતમાં દર વર્ષે આશરે બે કરોડ બાળકો જન્મે છે અને વિતેલા 10 વર્ષમાં 20 કરોડ બાળકો જન્મ્યા છે. આ યુવાનો ભારતને ‘વિશ્વ ગુરુ’ બનાવશે. મારા માટે શિક્ષણ મંત્રીનું પદ ક્યારેય મહત્વનું નહોતું.” તેમણે જાતે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંપર્ક કરીને રાજીનામાની રજૂઆત કરી હોવાનું પણ સ્પષ્ટ કર્યું હતું.
