અમદાવાદ

દેવેન્દ્રસિંહના પિતાએ આપી ચીમકી, DySP એન.પી.પટેલ વિરુદ્ધ કરવામાં આવે કાર્યવાહી, નહીંતર…

કરાઇ એકેડમીમાં ટ્રેનિંગ લઇ રહેલા પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડે તેના ઘરે કરેલી આત્મહત્યાના ચકચારી કિસ્સામાં ડીવાયએસપી એન.પી. પટેલ વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં પોલીસ ભીનું સંકેલી રહી છે તો બીજી તરફ દેવેન્દ્રસિંહનાં પિતા સત્યેન્દ્રસિંહ રાઠોડે ડીવાયએસપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી આપી છે.દેવેન્દ્રસિંહની આત્મહત્યાને બે દિવસ થઇ ગયા તેમ છતાંય પોલીસે ડીવાયએસપી એન.પી. પટેલ વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી નથી. ન્યાય નહીં મળે ત્યાં સુધી દેવેન્દ્રસિંહના મૃતદેહને પણ સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો છે. ગઇ કાલે પોલીસ કમિશનરે ન્યાય મળશે તેવી આપેલી બાંયધરી બાદ પણ પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. હાલ દેવન્દ્રસિંહનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના મોર્ગરૂમમાં છે. આજે સવારે દેવેન્દ્રસિંહનો નાનો ભાઈ હેમેન્દ્રસિંહે સોલા પોલીસ સ્ટેશનમાં પંચનામાની કોપી લેવા માટે અરજી કરી છે.

ડીવાયએસપી એન.પી. પટેલને નોકરીમાંથી કાયમ માટે બરતરફ કરીને આજીવન કેદની કરવામાં આવે તેમ પીએસઆઇ દેવેન્દ્રસિંહે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે. પોલીસ અધિકારીના ત્રાસથી દેવેન્દ્રસિંહે આત્મહત્યા કરી હોવાથી સોલા પોલીસ ફરિયાદ નોંધવામાં ઢાંક‌િપછોડાે કરી રહી છે. દેવેન્દ્રસિંહ રાઠોડ કરાઈ એકેડમીમાં પીએસઆઇ તરીકે ટ્રેનિંગ લઈ રહ્યા હતા ત્યારે કરાઈ એકેડમીના મદદનીશ નિયામક આઉટડોર એન.પી. પટેલ શારીરિક અને માનસિક ત્રાસ ખૂબ જ આપતા હોવાથી દેવેન્દ્ર ખૂબ જ ત્રાસી ગયા હતા, જેના કારણે સોમવારે સવારે ૫ વાગ્યે તે કરાઈ એકેડમીમાં ગયો હતો.

દેવેન્દ્રસિંહની આત્મહત્યાને બે દિવસ થયા, પરંતુ હજુ સુધી સોલા પોલીસે ડીવાયએસપી એન.પી.પટેલ વિરુદ્ધમાં ફરિયાદ નોંધી નથી તો બીજી તરફ દેવેન્દ્રસિંહની પત્ની ‌ડિમ્પલે આક્ષેપ એવો ચોંકાવનારો કર્યા છે કે ડીવાયએસપી એન.પી.પટેલ દેવેન્દ્રસિંહ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા માટે દબાણ કરતા હતા. દેવેન્દ્રસિંહની આત્મહત્યાના ચકચારી કિસ્સમાં પોલીસ પટેલને બચાવવા માટે ભીનું સંકેલી રહી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે તો બીજી તરફ દેવેન્દ્રસિંહના ઘરમાંથી મળી આવેલી સ્યુસાઇડ નોટના હસ્તાક્ષર કોના છે તેની તપાસ કરવા એફએસએલની મદદ લીધી છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button