નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના બે ધારાસભ્યોની કરી પ્રશંસા

ભાજપના કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના બે ધારાસભ્યોની પ્રશંસા કરતાં સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ગાંધીનગર ઓડિટોરિયમ ખાતે આયોજિત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને એક વર્ષ પુર્ણ થતાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તો ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસનાં બે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને સી જે ચાવડાએ હાજરી આપતાં રાજકારણ પણ ગરમાયું હતું.
સામાન્ય રીતે ભાજપનો કોઈ કાર્યક્રમ હોય ત્યારે કોંગ્રેસનાં કોઈ નેતા હાજરી આપતાં નથી. પણ ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં ગાંધીનગરના ધારાસભ્ય સીજે ચાવડા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ હાજરી આપી હતી. તેઓની હાજરીથી રાજકારણ ગરમાયું હતું અને લોકોમાં ચર્ચા વહેતી થઈ હતી કે, આ લોકો પણ હવે ભાજપમાં જોડાશે.
કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બંને કોંગ્રેસ ધારાસભ્યોની પ્રશંસા કરતાં કહ્યું કે, બંને નેતાઓ પોતાના વિસ્તારના લોકો માટે સતત સક્રિય રહેતા હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું. બીજી તરફ પ્રદ્યુમનસિંહે જણાવ્યું કે, તેઓ પોતાના વિસ્તારના લોકોની સમસ્યાના ઉકેલ માટે દરેક કાર્યક્રમમાં હાજરી આપે છે. તેમણે લોકોના પ્રશ્નો માટે સરકારી કાર્યક્રમમાં હાજરી અનિવાર્ય ગણાવી હતી.
તો આ અંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે, હું રાજય સરકારના દરેક કાર્યક્રમમાં હાજરી આપું છું. હું મારા વિસ્તારના પ્રશ્નો અને સરકારની યોજનાઓની માહિતી મેળવવા માટે જાઉં છું. હું કૉંગ્રેસમાં છું અને રહીશ. ઉલ્લેખનીય છે કે, રૂપાણી સરકારને 3 વર્ષ પુર્ણ થતાં આયોજિત એક કાર્યક્રમમાં પણ પ્રદ્યુમનસિંહ ચાવડાએ હાજરી આપી હતી.