
ચાર લાખની ઉઘરાણીના આરોપમાં વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલી વધી છે. વડગામના ટોકરીયા ગામના યાકુબ શેરસિયાએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે લેખિતમાં અરજી નોંધાવી છે. યાકુબ શેરસિયાએ જીગ્નેશ મેવાણી પર ચાર લાખ રૂપિયાની ઉઘરાણીનો આક્ષેપ કર્યો છે. યાકુબ શેરસિયાનો એવો પણ આક્ષેપ છે કે પોતાને ભાજપનો વ્યક્તિ ગણાવી હેરાન કરવામાં આવી રહ્યો છે.
વડગામ તાલુકાના ટોકરીયા ગામમાં ગ્રામસભામાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જીજ્ઞેશ મેવાણીએ કાર્યકર્તા પાસેથી 4 લાખ લીધા હતા તથા તેમને ઈશારે ખોટું મતદાન પણ કરાયું હતું. વડગામ મતવિસ્તારમાં વિકાસના કામો માટે યોગ્ય ગ્રાન્ટ ન ફાળવવામાં આવતી હોવાની પણ રજૂઆત કરાઈ હતી. જેમાં એટ્રોસિટી એક્ટના નામે સમાજના લોકોને એકબીજા વિરુદ્ધ ભડકાવીને ભાગલા પાડવાનો અને ગ્રાન્ટની રકમનો વિવેકપૂર્ણ ખર્ચ ન થતો હોવાનો પણ દાવો કરાયો છે.
શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જીજ્ઞેશ મેવાણીની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે વોટ ચોરીનો આક્ષેપ કરતાં મેવાણી ખોટું મતદાન કરાવતા અચકાતા નથી. જીજ્ઞેશ મેવાણીના ચૂંટણી પંચના આક્ષેપો નિરાધાર છે. રાજકારણમાં શુદ્ધીની વાત કરતા કોંગ્રેસે જીજ્ઞેશ મેવાણી સામે શિસ્તભંગની કાર્યવાહી કરવી જોઈએ.
