દિલ્હી : પ્રજાસત્તાક દિને દાંડી યાત્રા વિષયક ટેબલો કરાશે રજૂ
ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક દાંડી યાત્રા વિષયક ટેબલો દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં રજૂ કરવામાં આવશે. નવી દિલ્હી ખાતે દક્ષિણ આફ્રીકાના પ્રમુખ માટામેલા સિરિલ રામાફોસાની ઉપસ્થિતિમાં યોજાનાર પ્રજાસત્તાકની પરેડમાં ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક દાંડી યાત્રા વિષયક ટેબલો રજૂ કરીને પૂજ્ય બાપુને કાર્યાંજલિ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી ઉજવાઇ રહી છે ત્યારે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્રીય પરેડમાં રજૂ થનાર ટેબલોના વિષયને પૂજ્ય બાપુના જીવન કવન સાથે વણી લેવા વડાપ્રધાન મોદીના સૂચનને ભારતના સંરક્ષણ મંત્રાલય અને તમામ રાજ્યોએ વધાવી લીધુ હતું. જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ગાંધીજીએ દેશભરમાં કરેલા કાર્યોની સ્મૃતિ નવી દિલ્હીના રાજમાર્ગ પર તાજી થશે.
https://www.youtube.com/watch?v=1ZTMplgz8pA&feature=youtu.be
પૂજ્ય બાપુની ઐતિહાસિક દાંડી યાત્રાને ટેબલો દ્વારા રાજધાનીના માર્ગો પર સજીવન કરાશે. એજ પ્રમાણે દેશના અન્ય રાજ્યોમાં પણ તેમના રાજ્યમાં ગાંધીજીના કાર્યોને વણી લેતા પ્રસંગો ટેબલોમાં પ્રસ્તુત કરાશે.