દેશના આ રાજ્યમાં કોલેજની બહાર વિદ્યાર્થીનીના માથામાં લોખંડનો રોડ મારીને કરાઈ હત્યા, લગ્નની ના પાડતાં યુવકે કર્યું આ કૃત્ય

દેશની રાજધાની દિલ્હીમાં 24 કલાકમાં બીજી હત્યા થઈ છે. ગઈકાલે રાત્રે, દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના ડાબરી વિસ્તારમાં એક યુવક દ્વારા એક મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે આજે વધુ એક વિદ્યાર્થિનીની હત્યા કરી દેવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. દક્ષિણ દિલ્હીમાં ઓરોબિંદો કોલેજ પાસે એક છોકરાએ એક છોકરી પર લોખંડના સળિયાથી હુમલો કરીને તેની હત્યા કરી નાખી. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી યુવક ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. પરંતુ પાછળથી પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે. છોકરીની હત્યા બાદ આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ મૃતક યુવતિ કમલા નેહરુ કોલેજની વિદ્યાર્થીની હતી.
પોલીસે જણાવ્યું કે મૃતકનું નામ નરગીસ છે. ફરાર આરોપી પણ ઝડપાઈ ગયો છે. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી, જેના કારણે તેણે ગુસ્સે થઈને તેની હત્યા કરી દીધી હતી.
મળતી માહિતી મુજબ માલવિયા નગરના એક પાર્કમાં આશરે 22-23 વર્ષની યુવતી નરગીસ પર લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો હતો. તેના માથા પર લોખંડનો સળિયો મારવાથી તેણી ગંભીર રીતે ઘાયલ થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. હત્યા કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે, આરોપી થોડી જ વારમાં ઝડપાઈ ગયો હતો. આરોપીની ઓળખ 28 વર્ષીય ઈરફાન તરીકે થઈ છે, જે સંગમ વિહારનો રહેવાસી છે. અહીં પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે.
આ ઘટનાની જાણ દિલ્હી પોલીસને વિજય મંડલ પાર્કમાંથી બપોરે 12.08 કલાકે ફોન કોલ દ્વારા મળી હતી. ફોન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી કે બગીચામાં એક છોકરીની લાશ પડી છે. પોલીસને વિજય મંડલ પાર્કમાં બેન્ચ પાસેથી યુવતીની બોડી મળી હતી. ઘટનાસ્થળે મૃતક યુવતીના માથામાંથી લોહી વહી રહ્યું હતું. આજુબાજુ લોહી પડ્યું હતું. પોલીસને યુવતીના મૃતદેહ પાસે લોખંડનો સળિયો પણ મળી આવ્યો છે. પોલીસે યુવતીનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
આ પહેલા ગઈકાલે રાત્રે દક્ષિણ પશ્ચિમ દિલ્હીના ડાબરી વિસ્તારમાં 42 વર્ષની રેણુ નામનીમહિલાને 30 વર્ષના યુવક આશિષે તેના ઘર પાસે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આશિષ અને રેણુ પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા. બંને થોડા વર્ષો પહેલા એક જ જીમમાં જતા હતા. રેણુ ગોયલને હુમલા બાદ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.