
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ત્રિપલ અકસ્માતની ઘટના લીમખેડામાં બની છે. લીમખેડા તાલુકાના ઉમેદપુરા ગામે રામનવમીના દિવસે સાંજે 6 વાગ્યે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જીજે 06 પીએમ-5523 નંબરની ફોરવ્હીલ ગાડી પૂરઝડપે અને બેદરકારીથી આવી હતી. તેણે આગળ જતી મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી.
ફોરવ્હીલના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ગાડી સામેથી આવતા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક અનિલભાઈ સુરેશભાઈ ભુરીયા (ચોપાટ પાલ્લી ગામ)ને ડાબા હાથે અને પગે ફ્રેક્ચર થયું હતું. બાઇક પર પાછળ બેઠેલા સંજેશકુમારને મોઢા, ડાબા હાથ અને પગે ઈજાઓ થઈ હતી. દુર્ભાગ્યપૂર્ણ રીતે, ત્રણ વર્ષની સૃષ્ટિબેન ઉપર ફોરવ્હીલ ફરી વળી હતી. તેને પેટ અને શરીરે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ફોરવ્હીલના ચાલકને પણ માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.
લીમખેડા પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. સૃષ્ટિબેનના મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે ફોરવ્હીલ ચાલક સામે ફેટલનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો, Navsari: પૂર્ણા નદીમાં 5 લોકો ડૂબ્યાં; કપડાં ધોતી 4 મહિલામાંથી 3નો બચાવ, એકનું મોત; બચાવવા કૂદેલો યુવક ગુમ
