કેબલ ટીવીના ગ્રાહકોએ પસંદ કરવા પડશે પેકેજ, નહીંતર બંધ થઇ જશે ચેનલો
કેબલના ટીવીના ગ્રાહકો માટે પે ચેનલના પેકેજ પસંદ કરવાની છેલ્લી તારીખ આવી ચૂકી છે. હાલમાં જે ગ્રાહકોએ ફોર્મ ભરીને પેકેજ પસંદ નથી કર્યાં તેને સ્ટાર્ટર પેક હાલમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. ગ્રાહકો માટે પેકેજ પસંદ કરવાની આજે છેલ્લી તારીખ છે. ડીટીએચના નિયમોમાં ફેરફાર થયા મુજબ ગત તા.૪ ફેબ્રુઆરી સોમવાર મધરાતના ૧૨ વાગ્યાથી તમામ પે ચેનલ દર્શાવવાનું બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.એક અંદાજ મુજબ અત્યાર સુધીમાં માંડ ૫૦ ટકા ગ્રાહકોએ ચેનલના પેકેજ પસંદ કર્યાં છે. હાલ શહેરમાં મોટા ભાગે જ્યાં ગ્રાહકોએ ચેનલો માટે પેકેજ પસંદ નથી કર્યું ત્યાં સ્ટાર્ટર પેકેજ શરૂ કરી દેવાયું છે.
ટ્રાઇના આ નિર્ણય સામે ગુજરાત કેબલ અને બોમ્બે કેબલ એસોસિએશને એ અદાલતના દ્વાર ખખડાવ્યાં છે અને તેમાં ૧૭ ફેબ્રુઆરીએ મુદ્દત છે. શહેરમાં કેબલ ટીવીના પેકેજના મુદ્દે લોકો ઓપરેટરને ત્યાં દોડાદોડી કરી રહ્યા છે કેટલાક ઓપરેટરોએ તેમની જાતે જ પેકેજ તૈયાર કરી દીધાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં મોટા ભાગના પેકેજ રૂ.૩૦૦ની ઉપરનાં છે. કેટલાંક પેકેજ રૂ ૯૦૦ સુધીનાં છે. હાલ પૂરતી ફ્રી ચેનલો ચાલુ રાખવામાં આવી છે. હાલમાં અનેક લોકોએ પેકેજ પસંદ કરી લીધાં હોવા છતાં ચેનલોનું પ્રસારણ બંધ છે. કેટલાકને ત્યાં માત્ર ફ્રી ચેનલો દેખાઈ રહી છે. ઓપરેટરો સર્વરમાં ખામી હોવાનું કારણ દર્શાવી રહયા છે. કેબલ ટીવી એસોસીએશનના પ્રમુખ પ્રમોદ પંડયાએ જણાવ્યું હતું કે જે ગ્રાહકોએ તેમનાં પે ચેનલના પેકેજ પસંદ નહીં કર્યાં હોય તેમને ત્યાં આજે મધરાતથી પે ચેનલ દર્શાવવાનું બંધ થશે. જે ગ્રાહકોને માસિક ભાડું રિન્યુ કરાવવાનું હશે તેમને કરાવી લેવું પડશે, નહીં તો તેમને ત્યાં પણ પ્રસારણ બંધ થઈ જશે.
અત્યારે દર મહિને કેબલના રૂા૨૭૦થી રૂા.૩૨૦ સુધીનું ભાડું લેવામાં આવે છે, જેમાં ૧૪૭ ચેનલ હશે. જેમાં ૧૦૦ નિયમાનુસારની ચેનલ ઉપરાંત સ્થાનિક ગુજરાતની ૨૫ ચેનલ તેમજ કલર્સનું આખું પેકેજ જોવા મળશે. રૂપિયા ૨૩૦માં કરવેરા અને સર્વિસ ચાર્જ પણ આવી જશે. ગ્રાહકો માટે મહિનાના પેકેજો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં રૂા. ૨૩૦થી લઈને ૫૨૫ સુધીનાં પેકેજ છે. ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા લોકોને સૂચના અપાઈ રહી છે કે તેઓ જે પે ચેનલ પેકેજ પસંદ કરે અને તેનું પેમેન્ટ ચૂકવે ત્યારે કેબલ ઓપરેટર પાસેથી ખાસ મની રિસિપ્ટ મેળવી લે અત્યારે લોકોની હાલત એવી છે કે તેમને અગાઉ કરતાં પણ હાલમાં ચેનલોનાં પેકેજ મોંઘાં થતાં બજેટ ખોરવાયાં છે. હજુ પણ લોકો ક્યું પેકેજ લેવું તેમાં કેટલી ચેનલ જોવા મળશે તે અંગે સ્પષ્ટ નથી.