
ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી છે, અને આ દારૂબંધીનો કડક અમલ કરાવવાની જવાબદારી જે ખાખી વર્દી પર એટલે કે પોલીસ પર છે. પરંતુ આજ પોલીસ જો દારૂની હેરાફેરી કરવા લાગે તો શું થાય? અમદાવાદના વસ્ત્રાપુરમાં એક એવી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદ પોલીસના એક પોલીસ કર્મી બુટલેગર બની ગયો છે. વસ્ત્રાપુર પોલીસે લાખો રૂપિયાના દારૂની હેરાફેરીના ગુનામાં ખુદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસકર્મીની જ ધરપકડ કરી લઈ ને વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર ઘટનાની શરૂઆત થઈ છે ગત 5 જુલાઈ 2026 ના રોજ થઈ હતી. વસ્ત્રાપુર પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન વસ્ત્રાપુરના સનશાઇન એપાર્ટમેન્ટની બહાર એક શંકાસ્પદ કાર બિનવારસી હાલતમાં પાર્ક કરેલી જોવા મળી. કારના કાચ પર કાળી ફિલ્મ હોવાથી પોલીસને શંકા ગઈ અને કારની તપાસ હાથ ધરી હતી. કાર ખોલતા જ વસ્ત્રાપુર પોલીસની આંખો ચાર થઈ ગઈ હતી, કારણ કે અંદરથી 1 લાખ 5 હજારની કિંમતની વિદેશી દારૂની કુલ 313 બોટલી મળી આવી હતી. પોલીસે કાર જપ્ત કરી તપાસ હાથ ધરી હતી.
બિનવારસી કાર અને તેમાં મોટી માત્રામાં વિદેશી દારૂ હતો. પોલીસે સૌથી પહેલા આ કાર કોની છે અને દારૂ કોણ લાવ્યું, તેની તપાસમાં લાગી ગઈ હતી. ત્યારે પોલીસે સૌપ્રથમ દારૂની હેરાફેરી કરનાર ચિરાગ ચૌધરી નામના શખ્સને ઝડપી પાડ્યો. ચિરાગ ચૌધરીની વસ્ત્રાપુર પોલીસે કડક પૂછપરછમાં એમાં એક મોટો ધડાકો થયો. ચિરાગ ચૌધરીએ કબૂલાત કરી કે તે આ દારૂ રાજસ્થાનથી લાવ્યો હતો અને આ જથ્થો તે પોલીસકર્મી અશોક ચૌધરીના કહેવાથી લાવ્યો હતો. વધુ તપાસમાંએ પણ સામે આવ્યું કે જે કારમાંથી દારૂ મળ્યો હતો, તે કાર અન્ય કોઈની નહીં પણ ખુદ પોલીસકર્મી અશોક ચૌધરીના જ નામે રજીસ્ટર્ડ છે. ત્યારે વસ્ત્રાપુર પોલીસે અશોક ચૌધરીની તપાસ હાથ ધરી હતી.
વસ્ત્રાપુર પોલીસ ની તપાસમાં સામે આવ્યું હતું કે જ્યાંથી કાર બિનવારસી મળી હતી ત્યાં નજીકમાં જ આરોપી પોલીસ કર્મી અશોક ચૌધરી રહે છે જેના કારણે ત્યાં કાર પાર્ક કરીને રાખી હતી. કોઈને પોતાના પર શંકા ન જાય અને પોલીસની નજર માંથી બચી શકાય તે માટે આ પોલીસકર્મી દારૂ ભરેલી કારને એપાર્ટમેન્ટ બહાર પાર્ક કરાવી દીધી હતી. વસ્ત્રાપુર પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી પોલીસ કર્મી અશોક ચૌધરી વર્ષ 2012ની બેચના આ પોલીસકર્મી તરીકે ભરતી થયો હતો અને આરોપી પોલીસ કર્મી અશોક ચૌધરીનીની વધુ તપાસ કરી હતી.
આરોપી અશોક ચૌધરી અગાઉ વસ્ત્રાપુર, બોડકદેવ અને IB જેવી મહત્વની જગ્યાઓ પર પણ ફરજ બજાવી ચૂક્યો છે. ત્યારે વસ્ત્રાપુર પોલીસે પોલીસ કર્મી અશોક ચૌધરીની કાયદેસર ધરપકડ કરીને આ દારૂનો જથ્થો કોની પાસે થી લાવ્યો હતો અમદાવાદ માં કોને કોને આપવા કે વેચવા નો હતો. આ પહેલાં પણ દારૂની હેરાફેરી કરૂ ચૂક્યો છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
