કોમેડી કલાકાર કાદર ખાનનું કેનેડાની હોસ્પિટલમાં નિધન
બોલિવૂડના દિગ્ગજ અને કોમેડી અભિનેતા અને પોતાની કોમેડીથી લોકોને હસાવનાર કાદર ખાનનું કેનેડાની હોસ્પિટલમાં નિધન થઇ ચૂક્યું છે. કાદર ખાન લાંબા સમયથી બીમાર હતા અને કેનેડાની હોસ્પિટલમાં છેલ્લા 16-17 દિવસથી તેમનો ઉપચાર ચાલી રહ્યો હતો. કાદર ખાનના દીકરા સરફરાઝે તેમના નિધનની પુષ્ટિ કરી છે. નવા વર્ષે આવેલી આ દુઃખદ ખબરને કારણે બોલિવૂડ સહીત તેમના ફેન્સ પણ શોકમાં ડૂબી ગયા છે. મળતી જાણકારી અનુસાર તેમનું નિધન કેનેડાના સમય અનુસાર સાંજે 6 વાગ્યે થયું.
હિન્દી સિનેમાના અભિનેતા કાદર ખાનને છેલ્લા કેટલાક દિવસથી શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી હતી. તે બાદ તેમને કેનેડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મળતી માહિતી મુજબ તેમનો અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ કેટલાક શરારતી તત્વોએ સોશિયલ મીડિયા પર તેમના નિધનની ખોટી ખબર ફેલાવીને લોકોને દુઃખી કર્યા હતા. ત્યારે તેમના પુત્રએ આ ખબરને અફવા ગણાવી હતી.
તેમનો જન્મ 11 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. કાદર ખાને કોમેડિયન, વિલેન જેવી અલગ અલગ ભૂમિકા નિભાવીને ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી. કદાર ખાનની હાલત જોતા હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા. થોડા દિવસ પહેલા જ કાદર ખાનની બગડતી તબિયત પર ચિંતા વ્યકત કરતા બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને રવીના ટંડને ઇમોશનલ પોસ્ટ શેર કરીને તેમની સલામતી માટે પ્રાર્થના કરી કરી.