સોમનાથ ખાતે દ્વિતીય દ્વાદશ સમારોહમાં સીએમ રૂપાણીએ કરી પૂજા-અર્ચના
ભારત વર્ષના શ્રદ્ધાના પરમ કેન્દ્ર એવા સોમનાથ મહાદેવના મંદિરે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ ખાતે દ્વિતીય દ્વાદશ સમારોહમાં સહભાગી થતા પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ સૌ પ્રથમ સોમનાથદાદાના દર્શન અને જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઉજ્જૈન મહાકાલેશ્વર ખાતેથી આવેલ દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહના ચાંદી જડીત ધ્વજદંડનુ પણ આસ્થા પૂર્વક પૂજન કર્યુ હતુ.
મુખ્યમંત્રીશ્રીએ સોમનાથદાદાને શિશ નમાવી ગુજરાતની શાંતિ, સલામતિ અને પ્રગતિની પ્રાર્થના કરી હતી. સોમનાથ મંદિરમાં દર્શન વેળાએ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન શ્રી કેશુભાઇ પટેલ, સાંસદશ્રી ચુનિભાઇ ગોહેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન સુયાણી, પ્રવાસન નિગમના ડીરેક્ટરશ્રી ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ, પૂર્વ સાંસદશ્રી દિનુભાઇ સોલંકી, જિલ્લા કલેક્ટરશ્રી અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જે.ડી.પરમાર, જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સહિત અધિકારીઓ પદાધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
https://www.youtube.com/watch?v=_3llqbmi-ms&feature=youtu.be
સોમનાથ મંદિરનો ઝળહળતો ઇતિહાસ માનવ સંસ્કૃતિને પ્રેરણા આપે છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સોમનાથ ખાતે દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ–૨૦૧૯માં સોમનાથ મહાદેવના દર્શન કરી આસ્થા પૂર્વક જણાવ્યું કે, સંસારના સર્વજન કલ્યાણક શિવની આરાધના સાથેનો આ સમારોહ ભારતની એકતા, અખંડિતતા અને શ્રદ્ધાને મજબૂત બનાવશે. મુખ્યમંત્રીશ્રીએ દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહમાં પધારેલા વિવિધ રાજ્યોના સંતો, શિવભક્તો તેમજ ઉજ્જૈન મહાકાલેશ્વરના ભક્તોને આવકાર્યા હતા. સોમનાથ મહાદેવનું મંદિર અનેક આક્રમણો છતા પુનઃ સ્થાપિત થયું અને તેના નવ નિર્માણમાં સરદાર વલ્લભભાઇ પટેલના સંકલ્પ અને વિરાટ કાર્યને વંદન કર્યા હતા. સોમનાથદાદાના સ્વયં પ્રાગટ્ય શિવલિંગના દર્શન કરી ભક્તો દિવ્યતાની પ્રતીતિ કરે છે તેમ પણ કહ્યું હતુ.
મુખ્યમંત્રીશ્રીએ સરદાર પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારતના વિરાટ કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, તેમને કાશ્મીરનુ કાર્ય સ્વતંત્ર સોંપવામાં આવ્યુ હોત તો આજે કાશ્મીરની સ્થિતી જુદી હોત. મુખ્યમંત્રીશ્રીએ શિવ સમગ્ર માનવજાતનું કલ્યાણ કરનારા, વિષ પીને પણ સંસારનુ દુઃખ દૂર કરનારા છે, તેમની આરાધના જીવ થી શિવ સુધીનુ મિલન કરાવે છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના યાત્રાધામોના વિકાસ અને સ્વચ્છતા માટે સરકારશ્રી દ્વારા શરૂ કરેલા અભિયાનની માહિતી આપી જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભૂતાના મંત્રને વરેલી આ સરકાર છે તેમ પણ કહ્યુ હતુ.