સીએમ રૂપાણીએ વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓનું કર્યું નિરીક્ષણ
મુખ્યમંત્રી રૂપાણીએ 18થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત હતા. પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સૂચક ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.
નીતિનભાઈની ગેરહાજરીને લઈ લોકોમાં ચર્ચા ચાલી હતી કે, નીતિનભાઈ વાઇબ્રન્ટ ગુજરાત જેવા મોટા સમારંભની તૈયારીનું નિરીક્ષણ કરવા કેમ આવ્યા નથી? તો બીજી તરફ એક એવી ચર્ચા પણ ચાલી હતી કે, નાયબ મુખ્યમંત્રી કામનું બહાનું કાઢી આ મુલાકાતથી દૂર રહ્યા છે. જ્યારે બીજો એક તર્ક એવો પણ આપ્યો કે, તૈયારીઓનું નિરીક્ષણ માત્ર મુખ્યમંત્રી જ કરે એવો વડાપ્રધાન કાર્યાલયનો આદેશ હશે. આ મુલાકાત બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે આ વખતે વાયબ્રન્ટ સમિટમાં 30 હજારથી વધુ વ્યક્તિગત રજીસ્ટ્રેશન થયું છે. તેમજ 26 હજારથી વધુ કંપનીઓ અને 115થી વધુ દેશોના ડેલિગેશન્સ 15 પાર્ટનર કન્ટ્રી જોડાવાના છે.
https://www.youtube.com/watch?v=QwvxZPhsMkQ&feature=youtu.be
મહાનુભાવોને મહાત્મા મંદિર સુધી લઈ જવા માટે રાખેલી ગાડીઓ ચલાવવા માટે સ્થાનિક રોડ રસ્તાથી વાકેફ ડ્રાઈવરો મૂકવામાં આવ્યા છે અને તેમને હાલ વાઈબ્રન્ટમાં આવવા જવા માટે ક્યા રસ્તે આવવું જવું તેની તાલીમ આપવામાં આવી રહી છે. વાઈબ્રન્ટ સમિટમાં આવનાર દેશ વિદેશના મહાનુભાવોને એરપોર્ટથી મહાત્મા મંદિર સુધી પહોંચાડવા માટે એરપોર્ટ પર 850 ગાડીનો કાફલો તહેનાત રાખવામાં આવશે. જેમાં વીવીઆઈપી મહાનુભાવો માટે 250 જેટલી બીએમડબ્લ્યૂ, મર્સિડીઝ, ઓડી અને જગુઆર જેવી વીઆઈપી કારનો ખડકલો કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય ડેલિગેટ્સને લાવવા લઈ જવા માટે 400 ઈનોવા, 90 સેડાન (નાની ગાડીઓ) 29 સીટર મિની બસ સહિત અન્ય ગાડીઓ મૂકવામાં આવશે. વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવેલા મહાનુભાવોને લઈને એરપોર્ટથી બહાર નિકળતી વખતે તેમજ આવતી વખતે વાહનોને પસાર થવા મટે અલગ લેન તૈયાર કરવામાં આવી છે. જેથી એરપોર્ટ પર આવતા જતા પેસેન્જરો માટેના ટોલબુથ પર રોકાયા વગર તેઓ સરળતાથી અને ઝડપથી પસાર થઈ શકે.