અનિલ અંબાણીથી જોડાયેલા મામલે CJIએ SCના બે અધિકારીને કર્યા બરતરફ
અદાલતની અવમાનના (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ)ને લઇને રિલાયન્સ કોમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણી પર સુપ્રીમ કોર્ટના એક આદેશ સાથે ચેડાં કરવામાં સામેલ બે અધિકારીઓને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઇ) રંજન ગોગોઇએ બરતરફ કર્યા છે. જે આદેશ સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં તે અનિલ અંબાણીની તરફેણમાં હતો. તપાસમાં એવું બહાર આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના બે આસિસ્ટન્ટ રજિસ્ટ્રારોએ આ આદેશની નકલ સાથે ચેડાં કર્યાં હતાં. તેના પગલે સીજેઆઇએ બંને અધિકારીઓને બરતરફ કરવાનો આદેશ કર્યો છે.
આ કેસની ફરિયાદ જસ્ટિસ રોહિંગ્ટન એફ. નરિમાને કરી હતી. તેઓ અનિલ અંબાણીની વિરુદ્ધ અવમાનના કેસની સુનાવણી કરી રહ્યા હતા. જસ્ટિસ નરિમાને એવી ફરિયાદ કરી હતી કે અધિકારીઓએ તેમના સ્ટેટમેન્ટને સામેલ કર્યા વગર આદેશને સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરી દીધા હતા.
આ કેસની તપાસમાં બંને અધિકારીઓ દોષિત પુરવાર થયા હતા. બંધારણના અનુચ્છેદ-૩૧૧ અને સેકશન-૧૧ (૧૩) હેઠળ સીજેઆઇ પાસે એવા વિશેષાધિકાર હોય છે કે જેના અંતર્ગત ખાસ પરિસ્થિતિમાં કોઇ પણ કર્મચારીને કોઇ પણ શિસ્તભંગની કાર્યવાહી વગર બરતરફ કરી શકે છે અને આ અધિકારનો ઉપયોગ કરીને સીજેઆઇએ બંને અધિકારીઓને બરતરફ કર્યા છે.