Site icon Time News

Chhota Udepur: પ્રસૂતાને 5 કિલોમીટર ઝોળીમાં ઊંચકી 2 કલાકે હોસ્પિટલ પહોંચાડી, 10 દિવસ પહેલાં એક સગર્ભાનું મોત થયું હતું

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આંબાડુંગર ગામમાં મૂળભૂત સુવિધાના અભાવે માનવતાની કમકમાટી ઊપજાવે એવી ઘટના સામે આવી છે. ગામમાં રસ્તાના અભાવે એક પ્રસૂતા મહિલાને પાંચ કિલોમીટર સુધી ઝોળીમાં ઊંચકીને લઈ જવાની ફરજ પડી હતી.

આદ્યશક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે માતા બનવા જઈ રહેલી એક સગર્ભાને જે મુશ્કેલીઓ અને પીડા વેઠવી પડી રહી છે એ તંત્રના બહેરા કાન સુધી પહોંચી નથી શકતી. આવા કિસ્સામાં ક્યારેક જાન ગુમાવવાના પણ બનાવ બને છે. ઉલ્લેખનીય છે કે દસેક દિવસ પહેલાં આવી રીતે એક સગર્ભાને હોસ્પિટલ લઈ જતા સમયે સમયસર ન પહોંચી શકતાં તેનું મોત થયું હતું..

આંબાડુંગર ગામના મનુકલા ફળિયામાં રહેતી 22 વર્ષીય કોકિલાબેન અરવિંદભાઈ ભીલને ગઈકાલે બપોર બાદ પ્રસૂતિની પીડા ઊપડી હતી. ગામમાં વાહનવ્યવહાર માટે રસ્તો ન હોવાથી, પરિવારજનો અને ગ્રામજનોએ કાપડની ઝોળી બનાવી તેમને એમાં બાંધ્યાં હતાં.

ડુંગરાળ અને ખીણવાળા જોખમી રસ્તાઓ પરથી આ લોકો બે કલાક ચાલીને પ્રસૂતાને હાફેશ્વર પહોંચાડ્યા હતા. હાફેશ્વર પહોંચ્યા બાદ ત્યાંથી 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યાં હતાં. સદભાગ્યે ત્યાં કોકિલાબેને બાળકને જન્મ આપ્યો હતો. આ તેમની ત્રીજી પ્રસૂતિ હતી.

છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાઓને ઝોળીમાં ઊંચકીને લઈ જવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. વહીવટીતંત્રનું આ બાબતે ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે, જેના કારણે અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના લોકો, ખાસ કરીને પ્રસૂતા મહિલાઓ અને બીમાર વ્યક્તિઓ ભોગ બની રહી છે.

સ્થાનિક અહેવાલો મુજબ છેલ્લા એક વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં દસથી વધુ પ્રસૂતા મહિલાઓને ઝોળીમાં ઊંચકીને લઈ જવાની ઘટનાઓ નોંધાઈ છે. આમાંની બે મહિલાને સમયસર સારવાર ન મળવાને કારણે રસ્તામાં જ મૃત્યુ નીપજ્યું હોવાના ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જે સરકારી સુવિધાઓના દાવાઓ સામે ગંભીર સવાલ ઊભો કરે છે.

આ પણ વાંચો, http://Surat સિવિલ હોસ્પિટલમાં યુવતીનો આપઘાત, 10 દિવસ પહેલાં જ બાળકને જન્મ આપ્યો હતો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version