
છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારના નાના સઢલી ગામમાં નજીવી બાબતે મોટો જીવલેણ હુમલો થયો હતો. બે ભાઈઓ વચ્ચે લીમડાના ઝાડ કાપવાની બાબતે ઝઘડી પડયા હતા. ગુસ્સે ભરાયેલાં નાનાભાઈએ કુહાડી વડે હુમલો કરીને મોટાભાઈને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા.
છોટા ઉદેપુર જીલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા નાની સઢલી ગામના પટેલ ફળીયામાં રહેતાં ડેડિયાભાઈ કેરિયાભાઈ રાઠવા જ્યારે ઘરના આંગણામાં ઊંઘતા હતા, ત્યારે તેઓને ઘરની નજીક વહેલી સવારે લગભગ 5 વાગ્યાના અરસામાં કોઈ લીમડાનું ઝાડ કાપતું હોય, તેવો અવાજ આવ્યો હતો. ડેડિયાભાઈનો નાનો ભાઈ જંગલિયા રાઠવા લીમડાનું ઝાડ કાપી રહ્યો હતો. ડેડિયાભાઈએ જંગલિયા રાઠવાને ઝાડ ન કાપવાની ટકોર કરી હતી. આ વાત સાંભળીને જંગલિયા રાઠવા ગુસ્સે ભરાયો હતો અને તેણે કુહાડી દ્વારા ડેડિયાભાઈ ઉપર હુમલો કર્યો હતો.
જંગલિયા રાઠવા દ્વારા ડેડિયાભાઈને મારી નાખવાના હેતુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. કુ઼હાડી ડેડિયાભાઈના કાનના પાછળના ભાગમાં વાગી હતી અને તેઓ નીચે પડી ગયા હતા. આ ઉપરાંત, જંગલિયા રાઠવાએ ડેડિયાભાઈના છાતીના ભાગમાં કુહાડી મારી હતી અને તેઓને ગંભીર ઈજાગ્રસ્ત કર્યા હતા.
ડેડિયાભાઈ એ બૂમાબૂમ કરતાં પરિવારજનો ઘટનાસ્થળે આવી ગયા હતા. ઘટનાને ઓપ આપીને જંગલિયા રાઠવા ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. હાલ ડેડિયાભાઈને સારવાર માટે છોટા ઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે રંગપુર પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. રંગપુર પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ડેડિયાભાઈની ફરિયાદ નોંધી હતી અને નાનાભાઈ જંગલિયાભાઇની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો, Navsari: વાંસદાના વાંદરવેલા ગામની નદી પાસે શંકાસ્પદ હાલતમાં ભુવાનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ
