EVM વિવાદ પર CEC સુનીલ અરોડાએ કરી સ્પષ્ટતા, બેલેટ પેપર્સ તરફ પરત નહીં ફરીએ
હેકિંગ વિવાદના 3 દિવસ બાદ મુખ્ય ચૂંટણી આયુક્તે સ્પષ્ટ કહ્યું કે ફરીથી બેલેટ પેપર્સથી ચૂંટણી કરવામાં આવશે નહીં. આ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ નિવેદન આપ્યું છે કે, હું સ્પષ્ટ રીતે જણાવવા માંગુ છું કે આપણે લોકો બેલેટ પેપરના સમયમાં પરત નથી ફરી રહ્યાં. આપણે EVM અને VVPATથી જ ચૂંટણી કરાવીશું. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ સ્પષ્ટ કહ્યું કે, “કોઈના દબાણ કે ધમકીઓના કારણે બેલેટ પેપરના યુગમાં પરત નહીં ફરીએ. EVM અને VVPATને લઈને રાજકીય પક્ષો સહિત અન્ય લોકોની નિંદા કરવાનો અને ફીડબેક આપવાનો રસ્તો ખુલ્લો જ છે.”
મુખ્ય ચૂંટણી કમિશનરનું નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે બે દિવસ પહેલાં જ લંડનમાં ભારતીય મૂળના એક હેકરે દાવો કર્યો હતો કે 2014ની લોકસભા ચૂંટણીમાં EVM હેક થયું હતું અને ભાજપે ગોટાળા કરી ચૂંટણી જીતી હતી.
સુનીલ અરોડાએ કહ્યું, “અમે લોકો બેલેટ પેપરના સમયમાં પરત નથી જઈ રહ્યાં, અમે EVM અને VVPATને જ યથાવત રાખીશું.” તેઓએ કહ્યું કે અમે કોઈ પણ પ્રકારની નિંદા અને પ્રતિક્રિયા માટે તૈયારી છીએ, તે પછી રાજકીય પક્ષ દ્વારા જ કેમ કરવામાં આવતી ન હોય. સતત થતી નિંદા છતાં EVM અને VVPATને નહીં છોડીએ અને બેલેટ પેપરના સમયમાં પરત નહીં ફરીએ.