CBI ચીફ આલોક વર્માએ પોતાની ટ્રાનસ્ફરને લઇને કર્યો મોટો ખુલાસો
સીબીઆઈમાં પહેલીવાર બે મોટા ઓફિસર્સ વચ્ચે લડાઈ શરુ થઈ હતી. સીબીઆઈના પૂર્વ ચીફ આલોક વર્માને પદ પરથી હટાવ્યાના એક દિવસ પછી ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ખોટા, અપ્રમાણિક અને ખૂબ નબળાં આરોપોનો આધાર બનાવીને મારી ટ્રાન્સફર કરવામાં આવી છે. આવા આરોપ એક એવા વ્યક્તિએ લગાવ્યા છે જેને મારાથી તકલીફ છે. 1979ની બેન્ચના આઈપીએસ ઓફિસર વર્માને ગુરુવારે રાતે સીબીઆઈ ડિરેક્ટર પદથી હટાવવામાં આવ્યા છે. હવે તેમને સિવિલ ડિફેન્સ, ફાયર સર્વિસ અને હોમગાર્ડ વિભાગના ડિરેક્ટર બનાવવામાં આવે તેવી શક્યતા છે.
પૂર્વ ડિરેક્ટર વર્મા અને સીબીઆઈ એજન્સીમાં નંબર-2ની પોઝિશન પર રહેલા રાકેશ અસ્થાના વચ્ચે થયેલા વિવાદ પછી કેન્દ્ર સરકારે બંને ઓફિસર્સને રજા પર મોકલી દીધા હતા. કેન્દ્ર સરકારના આ નિર્ણય વિરુદ્ધ વર્માએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી 76 દિવસ પછી વર્માને ફરી ડિરેક્ટર પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ઉચ્ચઅધિકારી સમિતિ જ વર્મા વિશે નિર્ણય લેશે. ત્યારપછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સમિતિએ સીબીઆઈ ચીફ આલોક વર્માને તેમના પર પરથી હટાવી દીધા હતા. સમિતિએ આ નિર્ણય 2:1થી લીધો હતો.
આલોક વર્માએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ઉચ્ચ સાર્વજનિત જગ્યાઓ પર ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે સીબીઆઈ એક મુખ્ય તપાસ એજન્સી છે. આ એવી સંસ્થા છે જેની સ્વતંત્રતાને સુરક્ષીત કરવી જોઈએ. સીબીઆઈને બહારની શક્તિઓના પ્રભાવમાં આવ્યા વગર જ કામ કરવું જોઈએ. મેં સંસ્થાની અખંડતા જાળવવાનો પ્રયત્ન કર્યો, જ્યારે હાલ તેને બરબાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.