ટ્રાફિક અવરનેસને લઇને SGVP દ્વારા શરૂ કરાઇ ઝુંબેશ
ટ્રાફિક અવરનેસ માટે પોલીસ અને કોર્પોરેશન ઝુંબેશ હાથ ધરે તે સમજાય તેમ છે પણ કોઈ ધાર્મિક સંસ્થા કે વિદ્યાપીઠે લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ હાથ ધરવા અભિયાન આદર્યાનો કદાચ આ પહેલો કિસ્સો છે. એસ.જી.હાઇવે પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાને ટ્રાફિક અવેરનેસ માટે સંકલ્પ સાથે પહેલ કરી છે. સૌથી પહેલા તો એસજીવીપીના સ્વામીએ ટ્રાફિક અવેરનેસનો સંકલ્પ લીધો. સ્વામીજી તેમની સભાની શરૂઆત ટ્રાફિકના નિયમોથી કરે છે. એસજીવીપીમાં પ્રવેશ કરનારી દરેક વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત છે. સંકુલ બહાર ‘હેલ્મેટ નહી તો પ્રવેશ નહીં’નું બોર્ડ પણ મારવામાં આવ્યું છે. એસજીવીપીના સંતોએ 100થી વધુ ગામમાં ફરીને ટ્રાફિક નિયમો અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનું બીડું ઝડપ્યું છે.
SGVPએ જૂનથી ઝુંબેશ શરૂ કરી
SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ, મંદિર પરિસર અને હોસ્પિટલ સહિતના તમામ સભ્યો તથા મુલાકાતી માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો આગ્રહ રાખવામાં આવે છે.SGVPએ જૂનથી ઝુંબેશ શરૂ કરી છે. આ સંકુલના સ્વામીઓએ સભામાં ટ્રાફિક અવેરનેસની વાત કરવાનો સંકલ્પ લીધો છે. એસજીવીપીમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરનારાને જ પ્રવેશ અપાય છે.
અહીં રોજના 500થી 1000 હરિભક્તો આવે છે, જ્યારે તહેવારમાં 5 હજાર લોકો આવતા હોય છે
- ટૂ વ્હિલર પર આવતા હરિભક્તો માટે હેલ્મેટ અને કારમાં આવતા હરિભક્તો માટે સીટ બેલ્ટ ફરજિયાત.
- હોસ્પિટલના તમામ સ્ટાફે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.
- હેલ્મેટ વગર આવેલા દર્દીના સગાને ઇમરજન્સી હોય અને પ્રવેશ કરવો હોય તો તેમણે વાહન બહાર પાર્ક કરી ચાલતા આવવું પડે છે.
એસજીવીપી સ્કૂલના પદ્માકુમારે જણાવ્યુ હતુ કે, એસજીવીપીના સ્વામી માધવપ્રિયદાસ અને સ્વામી બાળકૃષ્ણદાસનું માનવું છે કે ભાવિ પેઢીમાં ટ્રાફિકના નિયમોનાં પાલનના સંસ્કારોનું સિંચન બાળપણમાં થાય તે જરૂરી છે. વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમોની સમજ આપીએ છીએ. આ પરિસરમાં આવનાર માટે ટ્રાફિક નિયમોનું પાલન ફરજિયાત બનાવાયું છે. ,
નિયમ પાલન માટે સંકલ્પ લેવડાવાયા
એસજીવીપીના કનુ ભગતે જણાવ્યુ હતુ કે, સ્વામી સભાની શરૂઆત કરે છે ત્યારે તેમની કથામાં વ્યક્તિના પોતાના રક્ષણ અંગે વાત કરે છે અને કહે છે કે જો પોતાનું અને બીજાનું રક્ષણ કરવું હોય તો તેના માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવુ જરૂરી છે. તેમણે સભામાં ટ્રાફિક અવેરનેસ માટેનો સંકલ્પ લીધો છે. અમારા સંતો 108 ગામોમાં ફરી કામ કરે છે.