અટલ બિહારી વાજપેયીની યાદમાં 100 રૂપિયાના સિક્કા બહાર પાડ્યા, આ છે ખાસિયત
સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 95મી જન્મ જ્યંતીની સ્મૃતિમાં 100 રૂપિયાના સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા. વડાપ્રધાન મોદીએ સિક્કાઓ દેશવાસીઓસમમક્ષ મૂકતા અટલજીને યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં લાંબા સમય સુધી અટલજીના સાથી રહેલા અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન, ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે નાણામંત્રી અરૂણ જેટલી અને સાંસ્કૃતિક મંત્રી મહેશ શર્મા હાજર રહ્યા. મહત્વનું છે કે ગયા વર્ષે નાણામંત્રાલયે સો રૂપિયાના સિક્કા માટે સૂચના બહાર પાડી હતી.
સિક્કાનું વજન 35 ગ્રામ અને ત્રિજ્યા 2.2 સેમી છે. સિક્કાને બનાવામાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, પાંચ ટકા નિકલ અને 5 ટકા જસતનો ઉપયોગ થયો છે. સિક્કાની એકતરફ વચ્ચે અશોક સ્તંભ બનાવવામાં આવ્યો છે અને તેની નીચે સત્યમેવ જયતે લખેલું છે. જ્યારે બીજી તરફ પૂર્વ વડાપ્રધાન વાજપેયીની તસવીર છે. મહત્વનું છે કે વાજયેપીજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના થયો હતો અને આ વર્ષે જ 16 ઑગસ્ટે તેમનું નિધન થયું હતું.
આ સિક્કાઓ મુંબઈમાં ટંકશાળ પરથી પણ મળી શકશે અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાંથી પણ મળી રહેશે. આ સિક્કો સ્મૃતિ સિક્કો છે તેથી ચલણમાં નહિં આવે. પણ તેને પ્રિમિયમ ભાવે ખરીદીને સંઘરી શકાશે.