Site icon Time News

કેનેડાને ધમકી આપતા રહી ગયા ટ્રમ્પ, આ બાજુ બ્રિટને ચીન સાથે કરી લીધી મોટી ડીલ, બ્રિટિશ સરકારે કરી જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીને ધમકી આપતા કહ્યું હતું કે જો ચીન સાથે કોઈ પણ સોદો કરવામાં આવી તો  યુએસ-કેનેડિયન ઉત્પાદનો પર 100% ટેરિફ લગાવવામાં આવશે. ડૉનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ કાર્નીએ હજુ સુધી કોઈ ડીલની જાહેરાત નથી કરી, પરંતુ બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે ચીન સાથે એક મહત્વપૂર્ણ ડીલ કરી  છે. બ્રિટિશ સરકારે તેને લઈ જાહેરાત પણ કરી છે.

વગર વિઝાએ ચીન જવાની મંજૂરી

સ્ટાર્મર સરકારે ગુરુવારે (29 જાન્યુઆરી, 2026) આ  ડીલની જાહેરાત કરતા કહ્યું હતું કે બ્રિટિશ નાગરિકો (પર્યટન અને વ્યવસાય)ને 30 દિવસથી ઓછા સમય માટે મુસાફરી કરવા પર વગર વિઝાએ ચીન જવાની મંજૂરી આપવામાં આવશે. વિઝા કરાર માટે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ સરકારને આશા છે કે તે શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવામાં આવશે.

બ્રિટનના પ્રધાનમંત્રી કાર્યાલય, 10 ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે તેમની સરકાર આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ચીન સાથે વેપાર સંબંધો સુધારવા માંગે છે. આના ભાગ રૂપે, બ્રિટિશ વ્હિસ્કી પરની આયાત ડ્યુટી 10% થી ઘટાડીને 5% કરવા માટે પણ એક કરાર થયો હતો. કીર સ્ટાર્મરે કહ્યું, “આ પગલાથી ચીનમાં વ્યવસાયોનું વિસ્તરણ સરળ બનશે. લોકો વિઝા વગર ત્યાં વેકેશન માટે મુસાફરી પણ કરી શકશે. વિશ્વની અગ્રણી આર્થિક શક્તિઓમાંની એક હોવા છતાં અમે લાંબા સમયથી ચીનમાં હાજરી ઇચ્છતા હતા. આનાથી દેશમાં વિકાસ અને રોજગારમાં વધારો થશે.”

સ્ટાર્મરે પોતાની  બેઇજિંગની  મુલાકાત દરમિયાન  ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રધાનમંત્રી લી કિયાંગ સાથે મુલાકાત કરી. વર્ષોના તણાવપૂર્ણ સંબંધો પછી બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્કોચ વ્હિસ્કી પર નિકાસ ડ્યુટીમાં ઘટાડો અને બ્રિટિશ પ્રવાસીઓ માટે ચીનની વિઝા-મુક્ત મુસાફરી પર સંમત થવા ઉપરાંત બંને પક્ષો પ્રથમ સંયુક્ત યુકે-ચીન કાયદા અમલીકરણ કાર્યવાહી માટે પણ તૈયારી કરી રહ્યા છે.

યુએસ રાષ્ટ્રપતિએ કેનેડાને ચેતવણી આપી હતી કે જો તે ચીનની નજીક જશે તો તે તેને ગળી જશે. ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે કહ્યું હતું કે જો ઓટાવા વોશિંગ્ટન સાથે સહયોગ કરવાનો ઇનકાર કરશે તો ચીન કેનેડાને ગળી જશે. ટ્રમ્પે લખ્યું હતું કે, “કેનેડા ગ્રીનલેન્ડ પર બાંધવામાં આવતા ગોલ્ડન ડોમનો વિરોધ કરે છે, જોકે ગોલ્ડન ડોમ કેનેડાનું રક્ષણ કરશે.” તેના બદલે, કેનેડાએ ચીન સાથે વેપાર કરવાના સમર્થનમાં મતદાન કર્યું, જે એક વર્ષમાં જ તેને ખાઈ જશે.’ 

Exit mobile version