
બોટાદ શહેરના તુરખા રોડ ઉપ આવેલ ગગજીની ઝુંપડી પાસે ઘરમાં મેલડી માતાનો મઢ બનાવી દોરા-ધાગા, દાણા જોવા, ૧૧ મંગળવાર ભરવાના ધતિંગ કરતો ભૂવો દિનેશ ઈશ્વર પરમારની કપટલીલા-ધતિંગલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૬૮ મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભૂવાએ કાયમી દાણા જોવાની બંધની જાહેરાત કરી કબુલાતનામું આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના મેમકા ગામના લાલજી વશરામ જાદવની દિકરી અસ્મિતાના છૂટાછેડા પ્રકરણમાં ભુવા દિનેશની દખલગીરીના પરિણામે ૩૧ લાખની માંગણી પછી સવા સાત લાખમાં સમાધાન થયું. આ રકમ મેલડીમાના મઢે રાખી દાગીના પરત આપવા વચન બંધાયેલા પરંતુ ભુવાએ લીંબડીના જયેશ ડાભીને મઢે નમીને રૂબરૂ લઈ જવાનું કહેતા સમગ્ર મામલો જાથાના કાર્યાલયે પહોંચ્યો હતો. બિપીન ડાભી-અસ્મિતાના છુટાછેડામાં ભુવાના ખેલના કારણે ગરમાવો થવાથી હાલ વાપી રહેતા લાલજી જાદવે ભુવાના દાણા પ્રમાણે સમાધાન કબુલનો આગ્રહ રાખ્યો હતો. ભુવાએ ૩૨,૦૦૦/-, ૨૫,૦૦૦/- રકમ અસ્મિતા રાખશે અને દાગીના પોતપોતાના પરત આપવાના. તેમાં મેલડી માતાનો પ્રકોપ બતાવતા મઢે નમીને આવવું પડશે તેથી ડાભી પરિવાર નારાજ થયો હતો.
દિનેશ ભુવા પોતાની પાસે ૪ થી ૫ ભુવામંડળી રાખી શામ-દામ-દંડની નિતી અપનાવતા હતા. નવો ભુવો હોય બધાનું અપમાનજનક શબ્દ બોલતો હતો. સાગ્રીતો એકી-બેકી દાણા જોઈ તર્કટ મુજબ લોકોની સાથે છેતરપિંડી આચરતો હતો. જાથાના કાર્યાલયે સાક્ષીઓ સહિત પાંચ લોકો આવતા આધાર-પુરાવા મેળવી જાથાએ ખાનગીમાં ઝંપલાવ્યું હતું. જમીન વેચાણની રકમ, ૧૧ મંગળવાર ભરવા, માનતા-ટેક રાખવી, માતાજીનો ભય-ડર, ભુવાનું ઘર આખું અંધશ્રદ્ધામાં તરબોળ હતું. માતાશ્રીજીને શ્રીફળ, અગરબત્તી, ચૂંદડી, પ્રસાદ સાથે સૌ પ્રથમ આવેલી રકમ મઢે રાખવી તેવો આગ્રહ કરવામાં આવતો હતો. માહિતીની ખરાઈ કરવા જાથાએ નક્કી કર્યું.
જાથાએ બે ડમી મહિલા સહિત ચાર માણસોને મઢે મોકલતા ભુવો માતાજીના પ્રકોપની વારંવાર વાત કરતો હતો. પોતાના હાથમાં મેલડી છે. દાણા જોવાની અજબગજબની રીત હતી. ધૂણવાનો ભુવો શોખીન હતો. જમીન વેચાણની વાત કરવા ડમી મહિલાને આઠ લાખ રૂપિયા મઢે લાવવા વધુ રકમ આવે તેમાં માતાજીનો ભાગની વાત મુકી હતી. જાથાને જરૂરી આધાર-પુરાવા મળી જતાં ભાંડાફોડનું નક્કી થયું.
જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ રાજયના મુખ્યમંત્રી, ઉચ્ચ અધિકારીઓ, બોટાદ એસ.પી. ને પત્ર મોકલી પર્દાફાશ માટે પોલીસ બંદોબસ્ત-રક્ષણની માંગણી મુકતા, ટાઉન પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મીઓ ફાળવવામાં આવ્યા. પો.ઈન્સ. એસ.આર. ખરાડીએ પો.કોન્સ્ટે. નારણભાઈ, રાજેશભાઈ બળદેવભાઈ, મહિલા કોન્સ્ટે. એકતાબેન ધીરૂભાઈ, સ્ટાફ, જીપ ફાળવી દીધા. રાજકોટથી જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ સહિત સ્થાનિક કાર્યકરો ટાઉન પોલીસ સ્ટેશને પહોંચી ગયા.
જાથાની ટીમ, પોલીસ કાફલો ગગજીની ઝુંપડી પાસે મેલડીના મઢે ભુવાના ઘરે પહોંચી ગયા. જયાં જોવડાવવા શ્રદ્ધાળુઓ હાજર હતા. જાથાના જયંત પંડયાએ પરિચય આપી કાયમી ધતિંગલીલા બંધ કરાવવા આવ્યા છીએ. છૂટાછેડા પ્રકરણમાં ભુવાની દખલગીરી ગેરવ્યાજબી છે. એકાવન લાખ, એકત્રીસ લાખ પછી સવા સાત લાખ સમાધાન પ્રકરણમાં દાણા પાડવાનો ખેલ ખોટો છે. પરિવારના સદસ્યો ગભરાઈ ગયા હતા. ભુવાએ પરિસ્થિતિ પામી ભુલ કબુલી લીધી. લીંબડીના જયેશ ડાભીએ પોતાની આપવિતી જાહેરમાં કરી દીધી. દાગીના પરત ન આપતા જાથાને બોલાવવું પડયું. વઢવાણ પાસેના મેમકા ગામના લાલજી જાદવનું આખું ઘર અંધશ્રદ્ધાળુ સાથે ભુવાથી લાભ થાય તેવો ત્રાગો રચ્યો હતો. ભુવાની દાણા જોવાની નવી પાટ રીપેરમાં હતી. ભુવાએ ભુલ સ્વીકારી જાહેરમાં માફી માંગી લીધી. પોલીસ સ્ટેશને લઈ જવાનું નક્કી થયું. ભુવાના સમર્થન પડોશીઓ કે ભુવા મંડળીના સદસ્યો આવ્યા નહિ. ભુવાએ કાયમી ધતિંગલીલા બંધની જાહેરાત કરી દીધી.
હું ભુવા દિનેશ ઈશ્વરભાઈ પરમાર, ઉ.વ. ૩૩, ધંધો કોન્ટ્રાકર, મકાન બનાવવા સાથે માતાજીના મઢમાં સેવા-પૂજા, દાણા જોવાનું કામ કરું છું. આજથી દાણા જોવાના, છૂટાછેડા પ્રકરણ, જમીન વેચાણ, ૧૧ મંગળવાર ભરવા ધતિંગલીલા બંધની જાહેરાત સાથે લોકોની માફી માંગી લીધી. જાથાએ પી.એસ.ઓ. ને અટકાયતી પગલાનો પત્ર આપી દીધો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી પુછપરછ શરૂ કરી દીધી હતી.
આ પણ વાંચો, Detention of Bangladeshis: ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, સુરત-અમદાવાદમાંથી 500થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત
