
અમદાવાદના શીલજ સર્કલ નજીક 11 નવેમ્બરના સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં હર્ષદ પુરબિયા નામના યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. પૂરઝડપે આવતી લક્ઝુરિયસ રેન્જ રોવર કારના ચાલક રાઘવેન્દ્ર કુશવાહએ રેપિડો બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો અને સ્થળ પરથી કાર સાથે ફરાર થઈ ગયો હતો.
બોપલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને કારની નંબર પ્લેટના આધારે તપાસ હાથ ધરી અકસ્માત સર્જનાર બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહની કાર સાથે ધરપકડ કરી છે. હિટ એન્ડ રન કેસમાં આરોપીને પોલીસ સ્ટેશનથી જ જામીન આપી દેવામાં આવ્યા છે.
ફરિયાદી રેપિડો ચાલકને શીલજ સર્કલની રાઈડ મળી હતી
સેટેલાઈટમાં રહેતા 50 વર્ષીય પ્રદીપ ડરવાલે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને સાથે સાથે રેપિડોમાં મોટર સાયકલ ચલાવે છે. 11 નવેમ્બરના વહેલી સવારે તેઓ રાઈડ માટે બહાર નીકળ્યા હતા. તેમને પહેલી રાઈડ ઘાટલોડિયાની મળી હતી. ઘાટલોડિયામાં પેસેન્જરને ઉતારીને ત્યાંથી તેમને શીલજ સર્કલ તરફની રાઈડ મળી હતી, જેમાં તેમણે હર્ષદ પુરબિયા નામના વ્યક્તિને બાઈક પર બેસાડ્યો હતો.
પ્રદીપભાઈ હર્ષદભાઈને બેસાડીને શીલજ સર્કલથી થોડા આગળ પહોંચ્યા ત્યારે પૂર ઝડપે એક રેન્જ રોવર કારના ચાલકે તેમને ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ પ્રદીપભાઈ અને હર્ષદભાઈ રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં હર્ષદભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને પ્રદીપભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ રેન્જ રોવર કારનો ચાલક ત્યાંથી નાસી ગયો હતો. આસપાસના વ્યક્તિમાંથી એક વ્યક્તિએ રેન્જ રોવર કારનો નંબર લખી પ્રદીપભાઈને આપ્યો હતો.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત હર્ષદભાઈને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. હર્ષદભાઈના મોત મામલે પ્રદીપભાઈએ બોપલ પોલીસ સ્ટેશનમાં અકસ્માત કરનાર કારચાલક સામે કાર નંબરના આધારે ફરિયાદ નોંધાવી હતી. બોપલ પોલીસે નંબરના આધારે તપાસ કરતા આ કાર રાઘવેન્દ્ર કુશવાહ નામના વ્યક્તિની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રાઘવેન્દ્રની ધરપકડ કરી હિટ એન્ડ રન કેસમાં ધરપકડ કરી હતી. બોપલ પોલીસે હિટ એન્ડ રન કેસમાં રાઘવેન્દ્ર કુશવાહને જામીન પણ આપી દીધા હતા.
