પીએમ મોદીએ અમેરિકા પ્રવાસ: પહેલા દિવસે ઉર્જા ક્ષેત્રમાં કર્યા એમઓયુ, જાણો વિગતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભારતીય સમય મુજબ રાતે 11 વાગ્યાની આસપાસ અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટન પહોંચી ગયા છે. અમેરિકાની ધરતી પર પગ મૂકતા જ તેમણે ટ્વીટ કરીને કહ્યું Howdy હ્યુસ્ટન! વેપાર અને આંતરરાષ્ટ્રીય મામલાઓના ડાઈરેક્ટર ક્રિસ્ટોફર ઓલ્સન સહિત અન્ય અધિકારીઓએ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. અમેરિકાની ધરતી પર પગ મૂકતાની સાથે જ થાક્યા કે આરામ કર્યા વગર પીએમ મોદીએ ગણતરીના કલાકોમાં ઓઈલ ક્ષેત્રના સીઈઓ સાથે બેઠક યોજી. હ્યુસ્ટન અમેરિકાનું એનર્જી સિટી ગણાય છે. સીઈઓ સાથેની આ બેઠક મહત્વપૂર્ણ ગણવામાં આવતી હતી. પીએમ મોદી એક અઠવાડિયાના અમેરિકા પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે.
હ્યુસ્ટનમાં પીએમ મોદીએ અમેરિકાના પ્રવાસના પહેલા જ દિવસે ઉર્જા ક્ષેત્રની કંપનીના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી. હ્યુસ્ટનની હોટલ પોસ્ટ ઓકમાં થયેલી આ બેઠકમાં ટેલ્યુરિયન અને પેટ્રોનેટ સાથે લિક્વિફાઈડ નેચરલ ગેસ માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પર હસ્તાક્ષર કરાયા. પાંચ મિલિયન ટન એલએનજી માટે એમઓયુ સાઈન કરાયું છે.
ટેલ્યુરિયન અને પેટ્રોનેટે આ માટે ટ્રાન્ઝેક્શન એગ્રીમેન્ટને માર્ચ 2020 સુધીમાં અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. નોંધનીય છે કે ટેલ્યુરિયને ફેબ્રુઆરીમાં જ પેટ્રોનેટ એલએનજી લિમિટેડ ઈન્ડિયા (પીએલએલ) સાથે એક એમઓયુ સાઈન કરીને પીએલએલ ડ્રિફ્ટવુડ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની સંભાવનાઓ શોધવાની જાહેરાત કરી હતી.
કંપની તરફથી કહેવાયું હતું કે તેમાં પ્રસ્તાવિત એલએનજી ટર્મિનલની સાથે જ પ્રાકૃતિક ગેસ ઉત્પાદન, એકત્રિકરણ, પ્રોસેસિંગ અને ટ્રાન્સપોર્ટિંગ સુવિધાઓ સામેલ છે. ભારત પહેલા એલએનજી માટે ફક્ત કતાર ઉપર જ નિર્ભર હતું. હવે અમેરિકાની સાથે સાથે રશિયા અને ઓસ્ટ્રેલિયાથી પણ એલએનજીની આયાત થઈ રહી છે.
એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટ્રમ્પ પ્રશાસન આ અઠવાડિયે ભારત સાથેના વેપાર સંધિઓને લઈને કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત સમાચાર મુજબ આ અઠવાડિયે પીએમ મોદી સાથે મુલાકાત બાદ મોટી જાહેરાતો થઈ શકે છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરના કારણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નવા માર્કેટની શોધમાં છે.
અમેરિકાના એનઆરજી સ્ટેડિયમમાં રવિવારે યોજાનારા હાઉડી મોદી કાર્યક્રમના સમારંભની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે 50 હજારથી વધુ ભારતીયો હાજર રહેશે. આ કાર્યક્રમમાં ત્રણ કલાકના શો દરમિયાન ભારતીય શાસ્ત્રીય સંગીત, લોકગીત અને નૃત્ય પણ રજૂ કરાશે. લગભગ 1000 જેટલા ગુજરાતીઓ નવરાત્રીના પડઘમ વચ્ચે દાંડિયા રમશે.
અમેરિકાના હ્યુસ્ટનમાં થનારા આ કાર્યક્રમને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યાં સમગ્ર શહેર અને લોકો મોદીના રંગે રંગાઈ ગયા છે. મોદીના આગમન પહેલાં અનેક રેલીઓ યોજવામાં આવી હતી. તે ઉપરાંત શનિવારે ૨૦૦થી વધુ ગાડીઓ દ્વારા ભારત અને અમેરિકાના ધ્વજ લઈને રેલી કાઢવામાં આવી હતી. દુનિયાના સૌથી મોટા બે લોકશાહી દેશો વચ્ચેની મિત્રતા કેટલી ગાઢ છે તે બતાવવા માટે આ રેલીઓ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર ૨૦૧૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંગ્લેન્ડના વેમ્બ્લી સ્ટેડિયમ ખાતે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તે સમયે ઈંગ્લેન્ડના વડા પ્રધાન ડેવીડ કેમરુન તેમની સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા. હવે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ મોદીની રેલીમાં હાજરી આપવાના છે. તે વિશ્વના બીજા નેતા છે જે મોદી સાથે સંયુક્ત રીતે ભારતીય સમુદાયને સંબોધન કરશે.