
ભાવનગર શહેરના કુંભારવાડા-નારી રોડ પર આજે બપોરે એક લોડિંગ વાહનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના બપોરે 11-12 વાગ્યાની આસપાસ બની હતી.
અરફાતભાઈ માલકાણીની માલિકીની અશોક લેલન્ડ ગાડી (નંબર GJ 09 AU 5924) સિહોરથી ભાવનગર માલ ભરવા આવી રહી હતી. ઈંટોના ભઠ્ઠા પાસે અચાનક કોઈ અકળ કારણોસર વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટર્સે અડધી ગાડી પાણીનો છંટકાવ કરીને અડધા કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તેમજ થયેલા નુકસાનની વિગતો પણ હજુ સામે આવી નથી. જોકે, સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
આ પણ વાંચો, Vadodara: ગોત્રી રોડ ઉપર ગટરના પાણીની નદી વહી, માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી લોકો પરેશાન
