Site icon Time News

Bhachau: વિજ્ઞાનજાથાએ રંગીન મિજાજી ભુવાનો પર્દાફાશ કર્યો, દોરા-ધાગા અને ધૂણવાના નામે મહિલાઓની છેડછાડ કરતો

કચ્છ ભચાઉમાં વિજ્ઞાનજાથાએ 20 વર્ષથી દોરા-ધાગા, ધૂણવા, દુઃખ દર્દ મટાડવા ભ્રમમાં નાંખી શારિરીક શોષણ કરનાર ભુવા ભવાન કરશનભાઈ જાદવની કપટ લીલાનો ભચાઉ પોલીસ સ્ટેશનની મદદથી 1270મો સફળ પર્દાફાશ કર્યો હતો. ગાંધીધામની ભૂઈ સાથે સાંઠગાંઠ બહાર આવતા ચકચાર જોવા મળી હતી. ભુવાએ જાહેરમાં માફી માંગી હતી. કબુલાતનામું આપતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથમાં લીધી હતી.

બનાવની વિગત પ્રમાણે વિજ્ઞાન જાથાએ થોડા દિવસો પહેલા ગાંધીધામ ભાનુદર્શન એપાર્ટમેન્ટમાં 30 વર્ષથી ભૂઈનું કામ કરતી જયોત્સનાબેન રાજપૂતનો ભાંડાફોડ કરતાં ભચાઉના ભુવા ભવાન જાદવનું નામ ખુલ્યું હતું. મહિલાને છેડછાડ કરતો ભુવો સીસીટીવીમાં પુરાવા આવી જતા સમગ્ર પર્દાફાશનું કારણ બન્યું હતું. જાથાની ખબર મળી જતા ભુવો ભવાન ફરાર થઈ ગયો હતો, તે દરમ્યાન જાથાએ ભુવાની કુંડળી મેળવતા ચોંકાવનારી હકિકત બહાર આવી હતી. તેમાં કસ્ટમ નાકા ચાર ચોક પાસે રહેતો ભુવો ઘરમાં માતાજીનો મઢ બનાવી લોકોના દુઃખ, દર્દ સાથે બિમારને સાજા કરવા, ગરમ તેલનો તાવો કરવો, રમેણમાં ધૂણવું, માતાજીનો પ્રકોપ ભય બતાવી રૂા. 2500થી શરૂ કરી પચાસ હજારની ફી વસુલતો હતો, તેવી માહિતી મળી હતી.

ધૂણવામાં હોંશિયાર હોય શ્રધ્ધાળુઓ બોલાવવાનો આગ્રહ રાખતા હતાં. ગાંધીધામની ભૂઈ જયોત્સનાબેન વેવાઈના નાતે એકબીજાનો ધાર્મિક ધંધો ચાલતો હતો. એકબીજાને ત્યાં જોવાના કામે મોકલી ભોળા -લાલચુ લોકોને આસાનીથી છેતરતા હતાં. ભચાઉની મહિલા સાથે છેડછાડની હકીકત બહાર આવતા તપાસમાં ઘરમાં આર્થિક નુકસાનીનું સરભર કરવા પરિવાર ભવાન ભુવા પાસે જવાથી શોષણનો ભોગ બન્યા હોવાની હકિકત સામે આવી હતી. ભવાન ભુવા પરિવાર આખો માતાજીનું મંદિર બનાવવું, પરિસ્થિતિ પ્રમાણે પીડીતોને વિધિ-વિધાન જણાવતાં હતાં. ભુવો રંગીન મિજાજ ધરાવતો હોય મહિલાઓને ટારગેટ કરતો હતો. ખોટ સરભર તાત્કાલીક કરવા પીડીત ભોગ બનતા હતાં. ભુવાના ચારિત્ર્ય સંબંધ તરેહ તરેહની વાતો બહાર આવી હતી.

જાથાના ચેરમેન – એડવોકેટ જયંત પંડયાની આગેવાનીમાં જાથાની ટીમ, પોલીસ કાફલો ભુવાને ઘરે પહોંચી ગયો. માતાજીના મઢે ભુવાએ માફી માંગવાનું શરૂ કરી દીધું. એકવાર માતાજી માફ કરી દેજો. છેડછાડ જીંદગીમાં કરીશ નહિ તેવું હાથ જોડીને બોલવા લાગ્યો. ઘરના સદસ્યો અવાચક થઈ ગયાં. પરિસ્થિતિ ગંભીર લાગતા મૌન રહેવાનું પસંદ કર્યું. આસપાસના રહીશો ઘરની બહાર જોવા મળ્યા. ભુવો શરમ અનુભવતો હતો. જાથાએ હિંમત આપવી પડી. ભુવાને પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો. પો. ઈન્સ. જાડેજાએ જરૂરી પૂછપરછ કરી ભુવો ભાંગી પડયો હતો. મહિલાની છેડછાડ માટે માફી માગતો હતો. કાયમી બંધ કરું છું. હવે પછી દોરા-ધાગા, કપટલીલા બંધની જાહેરાત કરી હતી.

કબુલાતનામામાં “હું ભુવો ભવાન કરશન જાદવ, ઉ.વ. ૫૭, ધંધો લોન્ડ્રી કામ સાથે માતાજીની સેવા પૂજા 20 વર્ષથી કરું છું. દોરા-ધાગા, જોવાનું, દુઃખદર્દ મટાડવાનું ધૂણવાનું કામ કરું છું. આજથી કાયમી ધતિંગ – કપટલીલા બંધની જાહેરાત કરી લોકોની માફી માંગું છું.” પોલીસે અટકાયતી પગલાની કાર્યવાહી હાથમાં લીધી હતી.

આ પણ વાંચો, Ahmedabad: વટવા પોલીસે બે દિવસમાં પાંચ ગુનામાં નાસતા ફરતા 3 આરોપીઓની ધરપકડ કરી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version