PM MODIની બાયોપિકમાં આ અભિનેત્રી બનવા જઇ રહી છે વડાપ્રધાનની પત્ની
પીએમ મોદીની બાયૉપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ અત્યારે ચર્ચામાં છે. ફિલ્મમાં વિવેક ઓબેરૉય પીએમ મોદીનું પાત્ર ભજવી રહ્યો છે. વિવેક ઓબેરૉય પીએમ મોદીનાં લૂકમાં જામી રહ્યો છે. વિવેક ઓબેરૉય ઉપરાંત આ ફિલ્મમાં ઘણા બીજા એક્ટર્સને પણ કાસ્ટ કરવામાં આવ્યા છે. જો કે એક પાત્ર એવું પણ છે જેના પર સૌની નજરો ચોટી રહેશે. એ પાત્ર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેનનું. પીએમ મોદીની બાયોપિકમાં આ પાત્ર માટે એક્ટ્રેસ બરખા બિષ્ટને કાસ્ટ કરવામાં આવી છે.
આ અંગે વાત કરતા બરખા બિષ્ટે જણાવ્યું કે, “આ ફિલ્મ માટે અમે અમદાવાદમાં શૂટ કરીશું અને આ વિશે મે ઘણું વાંચવાનું શરૂ કરી દીધું છે. આ રૉલ ઘણો ચેલેન્જિંગ છે કારણ કે જશોદાબેન વિશે લોકો ઘણું જ ઓછું જાણે છે.” બરખાએ વધુમાં કહ્યું કે, “મારે આ રૉલ માટે ગુજરાતીઓની માફક બોલવાનું શીખવું પડશે. આ કેરેક્ટરમાં તમને ઘણા શેડ્સ જોવા મળશે. હું અત્યારે ફક્ત એટલું જ કહી શકુ છું કે આ ફિલ્મ સાથે જોડાઇને મને ઘણો જ ગર્વ થઇ રહ્યો છે.”
પીએમ મોદીનું પાત્ર નિભાવી રહેલા વિવેકનું માનવું છે કે પીએમ મોદીનું પાત્ર તેના જીવનનું એક મહત્વનું પાત્ર છે અને હોય પણ કેમ નહીં આ ફિલ્મમાં પીએમ મોદી જેવા બનવા માટે વિવેકે ઘણી જ મહેનત કરી છે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાત, દિલ્હી, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મનાં પોસ્ટરને 23 ભાષાઓમાં રજૂ કરવામાં આવ્યું હતુ. ફિલ્મની ટીમ છેલ્લા 2 વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. ફિલ્મને ઓમંગ કુમાર નિર્દેશિત કરી રહ્યા છે. તેઓ આ પહેલા ‘શરબજીત’ અને ‘મૈરી કૉમ’ પર બાયૉપિક બનાવી ચુક્યા છે. ફિલ્મનું પ્રોડક્શન સંદીપ સિંહ કરી રહ્યા છે.