Site icon Time News

Bardoli: સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે બારડોલીમાં યોજાશે ખેડૂત સંમેલન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, તા ૧૨મી જૂને સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં યોજાનાર ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીનું આ વર્ષ દેશભરમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરતા કાર્યક્રમોથી ઉજવાઈ રહ્યું છે. એટલું જ નહીં, વડાપ્રધાને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તા. ૨૯મી મે થી ૧૨ જૂન સુધી દેશના રાજ્યોમાં યોજીને ખેડૂત અને ખેતીને આત્મનિર્ભર બનાવવાનો પણ માર્ગ ચીંધ્યો છે.

આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શિવરાજસિંહ ચૌહાણે ૨૯ મે એ ઓરિસ્સાથી રાષ્ટ્રીય પ્રારંભ કરાવ્યો હતો. તેનું સમાપન હવે કેન્દ્રીય કૃષિ મંત્રીની ઉપસ્થિતિમાં ગુરુવાર તા. ૧૨મી જૂને સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ખેડૂત સંમેલન સાથે થવાનું છે.

વડાપ્રધાને આત્મનિર્ભર ખેડૂત-આત્મનિર્ભર ખેતીના આપેલા ધ્યેયને સિદ્ધ કરીને કૃષિ ટેકનોલોજી ગામડે ગામડે પહોંચાડવા અને ખેડૂતોને માઇક્રો ન્યુટ્રીયન્ટના યોગ્ય ઉપયોગ સહિતની ટેકનોલોજી વિશે માહિતગાર કરવા યોજવામાં આવેલા આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ગુજરાતના ૩૧ જિલ્લાઓના ૨૨૫૦ ગ્રામ્ય ક્લસ્ટર દ્વારા ચાર લાખથી વધુ ખેડૂતોને આવરી લેવાયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ અવસરે રાજ્યના ખેડૂતો માટે પોરબંદર જિલ્લામાં તૈયાર થયેલા બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલન્સ, પેટલાદ તાલુકામાં કેળા અને શાકભાજી માટેના સેન્ટર ઓફ એક્સલન્સ તેમજ કચ્છમાં કાર્યરત થયેલા પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ-લોકાર્પણ કરશે.

આ ઉપરાંત કુલ ૨૫ હજાર મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતા ધરાવતા ૧૪ ગોડાઉનના ઈ-લોકાર્પણ અને બારડોલીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સુગરકેનનું ઈ-ખાતમુર્હત પણ આ ખેડૂત સંમેલનમાં કરવામાં આવશે.

ગુરુવારે તા. ૧૨મી જૂને સવારે ૧૦:૦૦ કલાકે બારડોલીના સાંકરી બી.એ.પી.એસ. મંદિર કોમ્પ્લેક્સમાં રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા યોજાનારા આ ખેડૂત સંમેલનમાં કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે.

આ પણ વાંચો, Ahmedabad: શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપ 2025નું આયોજન કરાયું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version