અમદાવાદ

બેંકો-દવાની દુકાન, ફેકટરી-આંગણવાડી 2 દિવસ રહેશે બંધ

કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિના વિરોધમાં ૩પ જેટલાં ટ્રેડ યુનિયન કાઉન્સિલ હેઠળ આવતી કાલે બેન્કો, કેમિસ્ટો, પોસ્ટ, આંગણવાડી સહિતના કર્મચારીઓ હડતાળ પાડશે. સ્ટેટ બેન્કને બાદ કરતાં શહેરની તમામ સરકારી બેન્કો, પોસ્ટ ઓફિસ, વીમા ઓફિસ અને દવાની દુકાનો પણ આવતી કાલથી બે દિવસ માટે ૮ અને ૯ જાન્યુઆરીએ બંધ રહેશે. બેન્કોથી લઇને ફેકટરીઓ પણ બંધ રહેતાં સામાન્ય જનજીવન ખોરવાશે.
ટ્રેડ યુનિયન કાઉન્સિલના નિવેદન અનુસાર નીતિ, શ્રમ કાયદામાં ફેરફાર, રાષ્ટ્રીયકૃત બેન્કોના મર્જર અને ખાનગીકરણ, કર્મચારીઓની કોન્ટ્રાકટ બેઇઝ ભરતી સહિતની ૧ર માગણીઓને લઇને હડતાળ પાડવામાં આવી રહી છે. રાજ્યભરના બાંધકામ ઉદ્યોગના મજૂરો, આંગણવાડીની બહેનો, આશાવર્કર બહેનો, ટેક્સટાઇલ અને ડાયમંડના કારીગરો, વીમા કંપનીના કર્મચારીઓ, પોસ્ટ અને ટેલિફોન સહિતના કર્મચારીઓ હડતાળ પર જવાના કારણે નાગરિકોની સામાન્ય સેવાઓ પર તેની અસર પડશે.
૩પ જેટલાં યુનિયનોએ બે દિવસીય હડતાળમાં જોડાવા ખાતરી આપતાં બેન્કોથી લઇને ફેક્ટરીઓ સુધીના ઔદ્યોગિક વિસ્તારો ઠપ થશે, જેનાથી જનજીવન ખોરવાશે. મોંઘવારીના અનુસંધાને મજૂરો અને કર્મચારીઓનું લઘુતમ વેતન રૂ.૧૮,૦૦૦ હોવું જોઇએ તેવી ૧ર માગણીઓને લઇને આંદોલન શરૂ કરાયું છે. યુનિયનના આગેવાનોનું કહેવું છે કે ગત વખતે હડતાળ પાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. તે સમયે સરકારે ઘટતું કરવાની ખાતરી આપી હોવા છતાં હજુ સુધી તેનો અમલ થયો નથી. ૧૧૭ ટ્રેડ યુનિયનો હડતાળમાં જોડાવાનાં હોઇ ર૦ કરોડ કર્મીઓ બે દિવસીય હડતાળ પર રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button