Site icon Time News

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ તેમજ પ્રાણીઓને ખોરાક આપવા પર પ્રતિબંધ

Oplus_131072

મેટ્રોસિટી અમદાવાદ શહેર તેની હેરિટેજ પરંપરા અને સંસ્કૃતિ માટે ઓળખાય છે. અમદાવાદના શહેરના અનેક વિસ્તારોમાં પક્ષીઓ માટે બનાવાયેલા ચબૂતરા આજે પણ લોકભાવનાનું પ્રતિબિંબ છે. જોકે બદલાતી શહેરી વ્યવસ્થા અને જાહેર આરોગ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં હવે અમદાવાદના જાહેર સ્થળોએ, ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં પક્ષીઓને ચણ નાખવા કે કૂતરાં સહિતના પ્રાણીઓને ખોરાક આપવો પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર પાસેથી રૂ.100 નો દંડ વસૂલવામાં આવશે.

આ નિર્ણયના અમલ માટે કોર્પોરેશન દ્વારા 10 સભ્યોની ખાસ ટાસ્કફોર્સ રચવામાં આવી છે. રિવરફ્રન્ટ તેમજ અન્ય જાહેર વિસ્તારોમાં CNCB વિભાગ અને રિવરફ્રન્ટ સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. સાથે જ રખડતા કૂતરાઓ માટે ખાસ સ્કવોડ પણ તૈનાત રહેશે.

નોંધનીય છે કે, જાહેર સ્થળોએ પક્ષી અને પ્રાણી ફીડિંગથી ગંદકી ફેલાવાની સાથે રોગચાળો ફેલાવાનો ખતરો રહે છે. મુંબઈ અને પુણે જેવા શહેરોમાં કબૂતરોમાંથી ફેલાતા શ્વસન રોગોને કારણે પહેલેથી જ કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. તે જ દિશામાં અમદાવાદે પણ પગલું ભર્યું છે, જેથી શહેરની સ્વચ્છતા અને નાગરિકોના આરોગ્યને સુરક્ષિત રાખી શકાય.

જો કોઈ વ્યક્તિ જાહેરમાં પક્ષીઓને ચણ કે પ્રાણીઓને ખાવાનું આપતા ઝડપાશે તો GPMC એક્ટના હેલ્થ બાયલોઝ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક કિસ્સામાં માત્ર દંડ નહીં પરંતુ વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવી શકે છે. શરૂઆતમાં રિવરફ્રન્ટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં નિયમ લાગુ કરાશે અને ભવિષ્યમાં તબક્કાવાર સમગ્ર શહેરના જાહેર સ્થળોએ બર્ડ અને એનિમલ ફીડિંગ પર પ્રતિબંધ મૂકવાનું આયોજન છે.

Exit mobile version