સામાન્ય જનતા માટે માઠા સમાચાર, ડુંગળીના ભાવ આસમાને!
ડુંગળીના ભાવ ટૂંક સમયમાં સૌને રોવડાવશે એવું લાગી રહ્યું છે. દેશમાં આર્થિક મંદીના એંધાણ વચ્ચે હવે મોંઘવારીની માર વધી રહી છે. આ વાતની ખાતરી ડુંગળીના ભાવથી કરી શકાય છે. દેશના કેટલાક રાજ્યોમાં ડુંગળીના ભાવમાં તેજી જોવા મળી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દેશની રાજધાની દિલ્હીમાં આઝાદપુરી મંડીમાં ડુંગળીના જથ્થાબંધ(હોલસેલ) ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે. જે 2015 બાદ સૌથી ઊંચી સપાટી છે. 2015માં ડુંગળીના ભાવ 50 રૂપિયાથી પણ વધુ બોલાયા હતા. એશિયાનું સૌથી મોટું ડુંગળી બજાર લાસલગાંવમાં પણ ડુંગળીના ભાવ કિલો દીઠ 50 રૂપિયા પહોંચ્યા છે. બજાર વિશેલષકોએ ભાવ વધારા પાછળનું કારણ બતાવતા કહ્યું કે, દેશમાં હાલ ડુંગળીનો સ્ટોક ઓછો છે જ્યારે માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ભાવમાં વધારો ઝીંકાયો છે.
ઉપરાંત તેમને કહ્યું કે દક્ષિણ ભારતમાં વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં ડુંગળીના પાકને માઠી અસર થઈ છે અને પાક ખરાબ થયો છે. જ્યારે નવા પાકને માર્કેટમાં આવવા માટે હાલ સમય છે. જેથી ભાવમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ડુંગળીના ભાવને નિયંત્રણમાં લેવા માટે સરકારે ગયા સપ્તાહે તેના ન્યૂનતમ નિકાસ ભાવ(એમઈપી) 850 ડોલર પ્રતિ ટન નિર્ધારિત કર્યા હતા. જેથી નિકાસ પર અંકુશ રહેતા દેશના બજારોમાં ડુંગળીની સપ્લાઇ ઘટે નહીં.